Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

સ્વાર્થ છોડી કરાતા સત્કાર્યો એટલે સુખનું સરનામું: રાષ્ટ્ર સંત નમ્ર મુનિ

કચ્છના પુનડી ગામે ગ્લોબલ કચ્છ, એસપીએમ પરિવાર અને કચ્છમિત્ર દૈનિક દ્વારા આયોજિત કાર્યક્રમમાં પશુ સુશ્રુષા માટે ૧૧ એમ્બ્યુલન્સ અને જળસંચયના કામો માટે ૧ કરોડના દાનની જાહેરાત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯  કચ્છના માંડવી તાલુકાના પુનડી ગામે ચાતુર્માસ ગાળતા રાષ્ટ્ર સંત નમ્ર મુનિ મ.સા.ની નિશ્રામાં જીવદયા અને અનુકંપાનો સમન્વય સાધતો  પ્રેરણાદાયી કાર્યક્રમ 'સુખનું સરનામું' યોજાઈ ગયો. આ પ્રસંગે પૂ.નમ્ર મુનિ મ.સા.ના બાવનમાં જન્મ દિવસ નિમિતે તેમની પ્રેરણા થકી  પશુ સુશ્રુષા અર્થે અર્હમ અનુકંપા અભિયાન તળે ૧૧ એમ્બ્યુલન્સના દાન અંગે ઘોષણા કરાઈ હતા. મૂંગા પશુઓની નિ:શુલ્ક સારવારના સંકલ્પ સાથે આ ૧૧ પશુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ આગામી ૨૫ તારીખે પૂ. નમ્ર મુનિની પાવન નિશ્રામાં કચ્છમાં પુનડી ગામે કરાશે. આ ઉપરાંત એસપીએમ ગ્રુપ અને ગ્લોબલ કચ્છ સંસ્થા દ્વારા બાવન બાવન લાખ રૂ.ની રકમના દાનની ઘોષણા સાથે જળસંચય માટે ૧ કરોડ રૂ.ની જાહેરાત કરાઈ હતી. આ પ્રસંગે આર્શીવચન આપતા પૂ. નમ્ર મુનિ મ.સા.એ જણાવ્યું હતું કે, સ્વાર્થ છોડીને કરાતા કામો એટલે જ સુખનું સરનામું. કચ્છમાં જળસંચય ક્ષેત્રે કામ કરતી સંસ્થા ગ્લોબલ કચ્છ દ્વારા કરાઈ રહેલા કાર્યોની સરાહના કરતાં જણાવ્યું હતું કે, શક્યતાના જોવાતા સપનાઓ જ સફળતાના દ્વાર ખોલે છે. મોટા શહેરોમાં રહેતા હોવા છતાંયે ત્યાં રહેવાનો શોખ છોડી ગામડાઓમાં સેવાયજ્ઞ આદરનાર સૌને બિરદાવ્યા હતા. આજે પણ સાચું ભારત ગામડામાં વસે છે ત્યારે ગ્લોબલ કચ્છ જેવા અભિયાનને વિવિધ સંસ્થાઓ દ્વારા સહકાર મળે તો   કચ્છની જેમ ગ્લોબલ ભારતની પરિકલ્પના પણ સાકાર થઈ શકે છે. ગ્લોબલ કચ્છના મયંક ગાંધીએ જણાવ્યું હતું કે, કોઈ પણ બદલાવ આણવા માટે ચળવળ કરવી જ પડે. કચ્છમાં માત્ર પાણીની જ જરૂર છે. જો જળ સરંક્ષણ દ્વારા પર્યાપ્ત પાણીની ઉપલબ્ધિ થાય તો ખેતી થકી આર્થિક સમૃદ્ધ બની શકે તેવી ક્ષમતા કચ્છના ખેડૂતોમાં છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગ્લોબલ કચ્છ સાથે સંકળાયેલા હાર્દિક મામણીયાએ જણાવ્યું હતું કે, ફોકસ, સ્પીડ, અને ઈમ્પેક્ટ એમ ચાર મુદ્દાઓ સાથે ગ્લોબલ કચ્છ જળ સરંક્ષણ ના કાર્યો કરી રહ્યું છે. અત્યાર સુધી ૩૩ ગામોમાં કામ શરૂ થઈ ગયું છે. ગ્લોબલ કચ્છના ફાઉન્ડર ગોવિંદભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, કચ્છના ૯૫૨ ગામોમાં લોક ભાગીદારી સાથે જળ સંરક્ષણ ના કામો હાથ ધરી કચ્છને નંદનવન બનાવવાનો અમારો પ્રયાસ છે. ગ્લોબલ કચ્છ સાથે વધુને વધુ સંસ્થાઓ, ગામ લોકોને જોડાવવા અને સહયોગ આપવા અપીલ કરી હતી. આભારવિધિ એસપીએમ ગ્રુપના પ્રવિણભાઈ છેડાએ કરી હતી. સંચાલન ધીરજ છેડા એકલવીરે કર્યું હતું. કાર્યક્રમમાં ગણ માન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(9:56 am IST)