Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

પોરબંદરઃ ૧૧ લાખની છેતરપીંડીના ગુન્હામાં ર વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૯: બે વર્ષ પહેલા ૧૧ લાખની છેતરપીંડી કરીને ફરાર થઇ જનાર કલ્યાણપુરના હનુમાનગઢના હરસુખભાઇ મનુભાઇ લાબડીયાને પેરોલ-ફર્લો સ્કોવર્ડે પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્જના ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસીંગ દ્વારા જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક રવી મોહન સૈની દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય ડ્રાઇવમાં વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ પકડાય તે સારૂ પેરોલ-ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પો.સબ ઇન્સ. એચ.સી.ગોહીલ તથા સ્ટાફના માણસોએ ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સોર્ચીસના માધ્યમથી માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરેલ અને જે અન્વયે પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ કોન્સ. દેવેન્દ્રસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. સંજયભાઇ કરશનભાઇ ચૌહાણને બાતમી રાહે હકીકત મળેલ કે છેલ્લા બે વર્ષથી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં રૂ. ૧૧,૦૦,૦૦૦ની છેતરપીંડીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી હરસુખભાઇ મનુભાઇ લાબડીયા રહે. મધુરમ રેસીડેન્સી જામનગર હાલ રહે. હનુમાનગઢ તા. કલ્યાણપુર વાળો તેના ફેમીલી સાથે જયુબેલી પુલ પાસે ટ્રાવેલ્સ બસો ઉભી રહે છે ત્યાં આવેલ છે. જે હકિકત અન્વયે તપાસ કરતા આરોપી મળી આવતા કોવીંદ રીપોર્ટ કરાવી કમલાબાગ પો.સ્ટે.ફ.ગુ.ર.નંબર-૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪ર૦, પ૦૪, પ૦૬ (ર), ૧૧૪ મુજબના કામે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ ધોરણસર અટક કરી કમલાબાગ પો.સ્ટે. સોંપી આપેલ છે.

આરોપીએ આ કામના ફરીયાદીને જણાવેલ કે તમો બહુ જ ભાગ્યશાળી છો તમારા લલાટ ઉપરથી તમને ગુપ્તધન મળશે તેવું મારૂ જયોતીષ કહે છે તેમ કહી ફરીયાદીને વિશ્વાસમાં લઇ વિધી કરવાના બહાને રૂ. ૧૧,૦૦,૦૦૦ પડાવી લઇ છેતરપીંડી કરતા સદરહું ગુન્હો દાખલ થયેલ હતો. આરોપીને પકડવાની કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પીએસઆઇ એચ.સી.ગોહીલ તથા જમાદાર અરવિંદભાઇ સવનીયા તથા કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. સંજયભાઇ કરશનભાઇ ચૌહાણ તથા મોહીતભાઇ ગોરાણીયા એસ.ઓ.જી. પોરબંદર દ્વારા કરવામાં આવેલ છે.

(1:02 pm IST)