Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

શ્રીમદ્દ ભાગવતએ શ્રીકૃષ્ણનું વાગ્યમ સ્વરૂપ અને કથા પરમ તત્વનો અનુભવ કરાવે છે : પૂ. ભાઇશ્રી

પોરબંદર શ્રી હરિ મંદિરથી અધિક પવિત્ર માસની કથાનો ઓનલાઇન પ્રારંભ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૯ : કોરોનાની આપત્તિને અવસરમાં પલટી નાખતા શીખી જઇએ. મૃત્યુલોકમાં આપણને જાણે એક અવસર પ્રાપ્ત થયો છે. આ શ્રીમદ્ ભાગવતની આ કથા અસત્યથી પરમ સત્ય, અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ સુધીની તથા નશ્વરદેહના મૃત્યુથી શાશ્વત આનંદ સુધીની યાત્રા કરાવે છે. માટે જ આ કથાનો પ્રારંભ 'સત્યં પરં ધીમહિ'થી થાય છે. શ્રીમદ્ ભાગવત એ શ્રીકૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે અને માટે જ કથા પરમ તત્વનો અનુભવ કરાવે છે. એમ કથાકાર, પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ શુક્રવારે અધિક-પુરૂષોત્તમ માસના પ્રથમ દિવસે શ્રીમદ્ ભાગવત કથા-જ્ઞાનયજ્ઞના પ્રારંભે હરિ મંદિર-પોરબંદર ખાતેથી જણાવ્યું હતું.

સંસ્કૃતિ ફાઉન્ડેશન-નોર્થ અમેરિકા અને કેનેડાના સંયુકત તત્ત્વાવધાનમાં યોજાયેલી આ શ્રીમદ્ ભાગવત કથા-જ્ઞાનયજ્ઞના પ્રારંભે ગૌતમભાઇ ઓઝા તથા સાંદીપનિના ઋષિકુમારોએ દીપ પ્રાગટય કર્યું હતું. આરોગ્ય સંબંધી સંપૂર્ણ ધારાધોરણો-નિયમોના ચૂસ્ત પાલન અને સોશીયલ ડિસ્ટન્સીંગ સાથે ગણતરીના સંગીતકારો અને શ્રોતાજનો સાથે આ કથાનો સાંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર ખાતેથી થયો છે. યુ ટયૂબ તથા અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ પર ભારત ઉપરાંત, અમેરિકા કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના વિવિધ દેશોના શ્રોતાજનો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, ર્સ્નીઁફુર્જ્ઞ્ષ્ટીઁજ્ઞ્.દ્દરુ દરરોજ સાંજે ૪-૦૦થી ૬-૩૦ જીવંત પ્રસારણ તથા તેના રેકોર્ડડ પ્રસારણનો લાભ સંસ્કાર ટી.વી. ચેનલ ઉપર સવારે ૧૦-૦૦થી બપોરે ૧ર-૩૦ દરમિયાન લઇ શકાશે.  પૂ.ભાઇશ્રીએ જણાવ્યું કે શ્રીહરિ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા વર્ષ-ર૦૦૬માં થઇ ત્યારે શ્રીમદ્ ભાગવત કથા યોજાઇ હતી ત્યારબાદ આજે એક માસ સુધી ચાલે તેવી કથા યોજાઇ રહી છે. વૈશ્વિક કોરોના મહામારીને પગલે ઉભી થયેલી પરિસ્થિતિને કારણે છ મહિના બાદ સૌપ્રથમવાર એક મહિના સુધીની કથાનો લાભ વિશ્વભરમાં ટેકનોલોજીના કારણે પ્રાપ્ત થઇ રહ્યો છે. પૂ. ભાઇશ્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી.

તેમણે જણાવ્યું કે કોઇપણ ગ્રંથ હોય તેનું માહાત્મ્ય જાણ્યા પછી જ તેના રહસ્યો ઉજાગર થઇ શકે છે, તેમ આપણે પણ આ શ્રીમદ્ ભાગવતનું માહાત્મ્ય સમજવું જોઇએ. આ શ્રીમદ્ ભાગવતના શ્રવણથી સર્વત્ર જ્ઞાનની સ્થાપના થઇ શકે છે અને સૌ ધર્મનો માર્ગ અપનાવે અને વૈરાગ્ય અને વિવેકને અપનાવી શકે તેનું જ્ઞાન આ પરમ પવિત્ર ગ્રંથના શ્રવણથી પ્રાપ્ત થઇ શકે છે, કેમ કે આ શ્રીમદ્ ભાગવત વેદ અને ઉપનિષદોનો સાર છે. વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપકવ ફળ છે.

(12:53 pm IST)