Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

પારકાને પોતીકા માની સારસંભાળ રાખવા જી.જી. હોસ્પિટલમાં દર્દી સહાયકનો નૂતન અભિગમ

વ્હાલસોયી સારસંભાળથી પ્રભાવિત થઇ મગનભાઇ કહે છે કે 'અહિંયા આ દિકરાઓ જ અમારા છે, તેમના વ્હાલે કોરોના સામે લડી રહ્યા : ૯૦ વર્ષીય લાડુબા આપી રહ્યા છે દર્દી સહાયક દિકરીઓને અઢળક આશિર્વાદછીએ'

હૂંફ શબ્દ જ હૂંફાળો છે. માણસ હંમેશાથી એકબીજાની લાગણીની હૂંફથી જીવતો અને કપરા સંજોગો સામે જીતતો આવ્યો છે. માનવજીવનની ઉત્પત્તિ સાથે માણસ સમાજજીવન સાથે જીવવા માટે ટેવાયેલો છે. કમ્યુનિકેશનની એક થીયરી કહે છે કે, માણસ એકલો જીવી નથી શકતો તો તે બેકલો પણ નથી જીવી શકતો... કહેવાનું તાત્પર્ય એ છે કે માણસને કોઇના સાથ- સંગાથની જરૂર પડે છે. માણસ વૃધ્ધ થાય ત્યારે અને ખાસ કરીને તે જયારે બિમાર હોય ત્યારે તેને દવા સાથે માનસિક સધિયારા અને હુંફની જરૂર પડતી હોય છે. જો આ બંન્ને એકસાથે મળે તો બિમાર માણસ ખૂબ ઝડપથી સાજો થઇ જાય છે.

આ બાબતને પારખીને સિવિલમાં દાખલ દર્દીઓની સેવા- સુશ્રુષા માટે દર્દી સહાયકનો નવતર અભિગમ સિવિલ હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દર્દીની સેવા માટે ૨૪ર્ં૭ દર્દી સહાયક મૂકવામાં આવ્યા છે.

વૃધ્ધ દર્દી જયારે બાળક જેવું વર્તન કરે*.જીદ કરે.... મારે નથી જમવું..... મારે દવા નથી ગળવી..... ત્યારે તેમને વ્હાલસોયી લાગણીઓ વડે રિઝવીને... સમયસર જમવાનું અને દવા આપવાનું કામ સિવિલ હોસ્પિટલમાં કોઇ કરી રહ્યું હોય તે છે દર્દી સહાયક છે.

કોરોનાના સંક્રમણથી દર્દી જયારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. અમૂક કિસ્સાઓમાં કો-મોર્બિડ પરિસ્થિતિઓમાં સારવાર લાંબી ચાલે ત્યારે દર્દીને સ્વાસ્થ્ય સારવારની સાથે પરિવારજન જેવી કાળજી લઇ તેની માનસિક સ્થિતિ પણ મજબૂત બની રહે, દર્દીઓને કયાંય પણ એકલવાયું ન લાગે તે માટે જી.જી. હોસ્પિટલમાં દર્દી સહાયકોની નિમણૂક કરવામાં આવી છે.

કોરોના સંક્રમણને કારણે દર્દીના સગાનું દર્દી પાસે રહેવું મુશ્કેલ બની રહે ત્યારે આ દર્દી સહાયકો દર્દીઓની સાથે તેમની દરેક મુશ્કેલીઓમાં ખડેપગે હાજર રહીને મદદરૂપ બની રહ્યા છે. આ સહાયકો પારકા દર્દીઓ કે જેમની કોઇપણ સાથે તેમની કોઇ પણ પ્રકારની લોહીની સગાઇ નથી તેમ છતાં તે દર્દીઓને પોતીકા માનીને સારસંભાળ રાખી રહ્યા છે. તેમને નિયમિત જમવાનું મળી રહે, દવા સમયસર મળી રહે..... તે માટે દર્દીઓને સહાયરૂપ બની રહ્યા છે.

કોરોનાની ગંભીરતા વધારે હોય દર્દી વેન્ટીલેટર પર હોય પોતાના હાથ વડે પાણી પણ પીવું મુશ્કેલ બની રહે છે તેવા સમયે આ દર્દી સહાયકો તેમની વ્હારે આવ્યા છે.જી.જી હોસ્પિટલમાં કાર્યરત દર્દી સહાયકોની કામ પ્રત્યેની નિષ્ઠા, તેમના વ્હાલસોયા વ્યવહાર, વર્તણૂંક અને મદદને કારણે ઘણાં કોરોનાગ્રસ્ત દર્દીઓ તો સહાયકોને પોતાની દિકરી/દિકરા સમાન માનવા લાગ્યા છે.

જી.જી. કોવિડની ડેડિકેટેડ ૭૦૦ બેડની હોસ્પિટલમાં કાર્યરત ખુશી ભોગાયતા દર્દી સહાયક તરીકે જોડાઇને રોજગારીની રોજગારી અને સેવાની સેવા સમજીને આ કામગીરીમાં જોડાઇ છે, દર્દી નહીં પણ પોતાના પરિવારના સમજીને તેમની સેવા કરી રહ્યા છે.

કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓ આ સહાયકોની સેવાથી સંતુષ્ટ છે અને તેમની લાગણીસભર સેવાને બિરદાવતા તેમની આંખોમાં અનાયાસે અશ્રુઓની ધારા વહી આવે છે. હોસ્પિટલમાં અમારી સાથે પોતાનું હોય તે રીતે વાત કરનાર આ અમારા દિકરા/દિકરીઓ જ છે. તેમની વાતોથી જ અમારી પીડા અડધી થઇ જાય છે.

કોરોનાગ્રસ્ત મગનભાઇ કહે છે કે, અહીંયા અમારું કોઇ છે તો માત્ર આ દિકરાઓજ..... મારા પરિવારની જેમ જ મારી સારસંભાળ આ દિકરાઓ રાખી રહયા છે...નાની નાની વાતોની મારી કાળજી રાખે છે..આ દિકરાઓના વ્હાલ અને કાળજીથી જ ટેકો છે, અને એનાથી જ આ બિમારી સામે લડવા ટકી શકયો છું.

તો ૯૦ વર્ષીય લાડુબા તો આ દર્દી સહાયક દીકરીઓને આશીર્વાદ આપતા થાકતા નથી કહે છે કે, રાત્રી સમય દરમિયાન અડધી રાત્રે તરસ લાગી પાણીની જરૂરિયાત ઉભી થાય ત્યારે આ દીકરી પાણી પીવડાવે છે..... ચાલીને શૌચાલય જવા સક્ષમ ન હોઇએ ત્યારે અમારી લાઠી બની શૌચાલય સુધી પહોંચાડે છે.....મને ખુદને યાદ નથી કે કેટલા દિવસ થયા છે પણ આ દિકરીઓએ ઘરે ન થાય એવી સેવા અહિં હોસ્પિટલમાં કરી છે અમારી.  એક પળ માટે પણ એકલવાયું અનુભવવા ન દે. આ દર્દી સહાયક નહીં પરંતુ અમારી દિકરીઓ જ છે, આ દિકરીઓને મારા અંતરના અઢળક આશીર્વાદ આપુ છું.

અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમારના દૂરંદેશી વિચારસરણીના પરિણામ સ્વરૂપ દર્દી સહાયક હાલ જી.જી. હોસ્પિટલમાં ખડેપગે છે. આરોગ્ય વિભાગ દ્વારા મળેલ દિશાનિર્દેશ પ્રમાણે ગુજરાત સરકારની મદદથી આ શિક્ષિત યુવક-યુવતીઓને દર્દી સહાયકની તાલીમ આપવામાં આવી છે. સાથે- સાથે જી.જી. હોસ્પિટલમાં વ્હવહારૂ તાલીમ આપવામાં આવી હતી. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં દર્દીઓની સાથે રહી તેમની સારસંભાળ રાખી શકાય, મનોસ્થિતિ મજબૂત થાય... દર્દીઓ એકલવાયું ન અનુભવે તે માટે સમગ્ર ગુજરાતભરની સરકારી હોસ્પિટલમાં દર્દી સહાયક મૂકવાની તૈયારી બતાવવામાં આવી હતી. જેના ભાગરૂપે જ જી.જી. હોસ્પિટલની ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં દર્દી સહાયક મૂકવામાં આવ્યા છે. કોરોનાની ફરજ માટે તેમને મહિને રૂ. ૧૫,૦૦૦નું માનદ વેતન પણ આપવામાં આવે છે. રોજગાર સાથે આ સહાયકો દર્દીનારાયણની સેવાનું પુણ્ય પણ કમાઇ રહયા છે. 

જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટશ્રી દિપક તિવારીએ કહ્યું હતું કે, આ દર્દી સહાયકો અમારા દર્દીઓના પરિવારજન છે, આ મહામારીમાં દર્દીના પરિવારજનોને તેમની સારસંભાળ માટે વોર્ડમાં સાથે રાખી શકાતા નથી પરંતુ આ દર્દી સહાયકો તેમના પરિવારજન બની વડીલોના દીકરા/દિકરી બન્યા છે. અધિક સુપ્રિટેન્ડન્ટશ્રી વસાવડાએ કહ્યું હતું કે, હાલમાં જી.જી.કોવિડ હોસ્પિટલમાં ૨૫૦થી વધુ દર્દી સહાયકો કાર્યરત છે, જેઓ દિન- રાત દર્દીઓની સેવામાં કાર્યરત છે.

આમ સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ ભલે તેમના પરિવાર, સગાથી દૂર હોય પરંતુ કોરોનાની સામેની જંગમાં વોર રૂમમાં તેઓ એકલા નથી, તેમની સાથે દર્દી સહાયક છે. જેઓ ડરથી નહીં પરંતુ ગર્વથી આ દર્દીઓની સારસંભાળ માટે સેવારત છે.(૨૧.૧૫)

: સંકલન  :

દિવ્યાબેન ત્રિવેદી

ગજેન્દ્રસિંહ જાડેજા

માહિતી બ્યુરો, જામનગર

(12:50 pm IST)