Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જાગૃત બની સાવચેતી દાખવી કોરોના ઉપર વિજય મેળવીએ : પૂર્વ કચ્છમાં કોવિડ વિજયરથ દ્વારા સંદેશ, ડાયરો, ભવાઈ, નાટ્ય અને જાદુક્લાના માધ્યમથી સંદેશ

(ભુજ) કચ્છ જિલ્લામા છેલ્લા ૧૧ દિવસ દરમ્યાન કોવિડ વિજયરથ વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વિશેની સમજ અને કોરોનાથી બચવા માટેની જાગૃતિનો સંદેશ આપી રહ્યો છે. પરંપરાગત લોક્સંસ્કૃતિની ડાયરા, ભવાઈ, નાટ્ય અને જાદુકલા જેવી લોકભોગ્ય શૈલીમાં કલાકારો દ્વારા કોરોના સામેની જાગૃતિનો સંદેશ લોકોની વચ્ચે પહોંચાડવામાં આવી રહ્યો છે. અત્યારે કોવિડ વિજયરથ કચ્છના ઐતિહાસિક શહેર અંજાર અને વ્યવસાયીક બંદરીય શહેર ગાંધીધામનો પ્રવાસ પુર્ણ કરી ચુક્યો છે. પૂર્વ કચ્છમાં કોવિડ વિજયરથને ઉમદા લોકપ્રતિસાદ સાંપડ્યો છે. અંજાર મધ્યે કોવિડ વિજયરથને નગરપતિ રાજેશ ઠક્કર, ચિફ ઓફિસર સંજય પટેલ, તાલુકા વિકાસ અધિકારી અભેચંદ દેસાઈ અને મહાનુભાવોએ સ્ટાર્ટ આપ્યો હતો. જ્યારે મેઘપર બોરીચી ગામથી આદિપુર તરફ જતાં રથને ગામના અગ્રણી નરેન્દ્ર ગોસ્વામી દ્વારા અને ગાંધીધામ મધ્યે તાલુકા વિકાસ અધિકારી રમેશ વ્યાસ દ્વારા રથને પ્રસ્થાન કરાવાયું હતું. આ રથના કચ્છ જિલ્લાના કોઓર્ડિનેટર ભાવિક સુતરિયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, આઉટ રિચ બ્યુરો અને યુનિસેફ દ્વારા કોવિડ સામેની લોકજાગૃતિ અર્થે આ વિજયરથના માધ્યમથી લોકો જાગૃત અને સાવચેત બની કોરોના સામે વિજય મેળવે એ સંદેશ પહોચાડવામા આવી રહ્યો છે. આ રથ દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી રોગ પ્રતિકારક શક્તિ વધારતી આયુર્વેદિક દવાઓનુ નિ:શુલ્ક વિતરણ પણ કરાઇ રહ્યુ છે. સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના ક્ષેત્રિય અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે અત્યારે કોરોના સામેની લડાઇ હવે નિર્ણયાત્મક તબક્કામાં પહોંચી છે ત્યારે કોવિડ વિજયરથના માધ્યમથી આ તબક્કે કોરોના સામે લડવા માટે લોકોનો આત્મવિશ્વાસ બુલંદ બનશે. સાવચેતી અને જાગૃતિ કેળવી આપણે સૌ કોરોનાને મ્હાત આપી શકીશું.

(9:40 am IST)