Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

મોટી પાનેલી સવાસો વર્ષ જૂની હવેલીમાં હજારો વૈષ્ણવ પધારી બાલકૃષ્ણને હિંડોળે ઝુલાવે છે

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભાવિકો દ્વારા પૂજન-અર્ચન-દર્શન

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી  તા. ૧૯ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામ પવિત્ર શ્રાવણ માસમાં લોકો ધર્મમય બન્યા છે ગામની આશરે સવાસો વર્ષ જૂની બાલ કૃષ્ણ લાલજી હવેલીમાં મુખિયા પૂજય હરેશઅદા પ્રભુ શ્રી બાલ ક્રિષ્નને નિતનવા વાઘા પહેરાવી સુંદરતા બક્ષે છે સાથેજ મુખિયાણી અને મુખિયા દ્વારા રોજ બરોજ અલગ અલગ પ્રકારે હિંડોળા દર્શન કરાવાય છે. ઠાકોરજીને નિતનવા શ્રૃંગારથી સજાવાય રહ્યા છે.

જેમાં ફ્રૂટ, ડ્રાયફ્રુટ, ફળ, શાકભાજી, લીલોતરી, પવિત્રા, અલગ અલગ ફૂલ, ચોકલેટ, રાખડી, માળા, આભલા-ચંદેરી, ચલણી નોટ, મોર પિંછ, ધજા, નીલપટ્ટા, ચાંદી-રૂપા-સોના, મીઠાઈ, વાંસળી... વિગેરે પ્રકારના હિંડોળા સજાવી ઠાકોરજીને ઝુલાવે છે. સાથેજ ઠાકોરજીના કીર્તન ગાન સાથે અબીલ ગુલાલ વચ્ચે નિતનવા પ્રસાદનું આચમન કરી હજારો વૈષ્ણવ ભાઈ બહેનો ધર્મમય બની જાય છે સદીયો જૂની પૌરાણિક હવેલીમાં બાલ કૃષ્ણના દર્શન કાજે સવાર સાંજ હજારોની સંખ્યામાં ગામલોકો સહીત આજુબાજુના ગ્રામજનો પણ ઉમટી પડે છે.

હવેલીના મુખિયા દ્વારા દરેક દર્શનાર્થીઓને ઠાકોરજીનો દિવ્ય પ્રસાદ અર્પિત કરવામાં આવે છે. ભકતો હોંશે હોંશે પ્રસાદનું આચમન કરી પોતાની જાતને ધન્ય સમજે છે.

હવેલીના મુખિયા દ્વારા પોતાના હસ્તકમલથી જ બનાવેલ ઠાકોરજીને પ્રિય એવો પ્રસાદ મોહનથાળ અને મગજના લાડુ હોશેહોશે બનાવી ભકતોને પીરસાય છે. જે પ્રસાદ લેવા વૈષ્ણવમાં ભારે તાલાવેલી જોવા મળે છે. હજારો વૈષ્ણવથી હવેલી ગુંજી ઉઠે છે ઠાકોરજીનો જય જયકાર થાય છે સેંકડો દિપક પ્રજવલિત કરી ઠાકોરજીની દીપમાળા દ્વારા ભવ્ય આરતી પણ ઉતારાય છે. ભાવ ભકિત અને ભકતોના ત્રિવેણી સંગમથી વાતાવરણ દિવ્ય અને ભવ્ય બની ઉઠે છે.

હવેલીના મુખિયા દ્વારા પોતાના વડવાઓ દ્વારા ચાલતી સદીઓ જૂની પરંપરાને આજેપણ ચિરંજીવી રાખી છે.જેનો ગામના સર્વે વૈષ્ણવ ભાઈ બહેનોને લાભ મળી રહ્યો છે.

(11:39 am IST)