Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

ભાવનગરમાં શરીર સંબંધ બાંધવા બોલાવીને યુવકની હત્યા

પતિની હત્યાનો બદલો લેવા પ્રેમનું નાટક કરીને ૨ શખ્સોની મદદથી સંજય ઉર્ફે કચોરી બારૈયાને મોતને ઘાટ ઉતાર્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૯ : ભાવનગરમાં થયેલ હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલી પોલીસે એક મહિલા અને તેના બે સાગરીતો સહિત ત્રણને ઝડપી લીધા છે. પતિની હત્યાનો બદલો લેવા આરોપી યુવાન સાથે પ્રેમનું નાટક કરી પોતાના ઘરે શરીર સબંધ બાંધવા બોલાવી પ્લાન મુજબ બે શખ્સોની મદદથી યુવાનની ઘાતકી હત્યા કરી લાશને ઘર નજીક બંબાખાનાના કમ્પાઉન્ડના અવાવરૂ જગ્યામાં ફેંકી દીધાની મહિલાએ કબુલાત આપી છે.

આ ચકચારી બનાવની વિગત એવી છે કે, શહેરના પ્રભુદાસ તળાવ મસ્તનગર વિસ્તારમાં રહેતો અને થોડા સમય પહેલા જ જેલમાંથી છુટેલો કુખ્યાત સંજય ઉર્ફે કચોરી બારૈયા (ઉ.૨૬)ની હત્યા કરાયેલ હાલતમાં બંબાખાનાના કમ્પાઉન્ડમાંથી લાશ મળી આવી હતી. પોલીસે આ અંગે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન આ અંગે સી-ડીવીઝન પોલીસ અને એલ.સી.બી. પોલીસે સઘન તપાસ કરતા બંબાખાનાની નજીક રહેતા રોશનીબેન ગોપાલભાઇ રાઠોડના ઘરની તલાશી લેતા તેના ઘરમાંથી લોહીના ડાઘાઓ જોવા મળતા પોલીસે તેની આગવી રીતે પૂછપરછ કરતા રોશનીબેન ભાંગી પડયા હતા અને તેમણે હત્યાના ગુન્હાની કબુલાત કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. રોશનીબેને જણાવ્યું હતું કે, મૃતક સંજય ઉર્ફે કચોરીએ તેના પતિનું ખુન થયેલ તેમાં સંડોવાયેલ છે અને તેની પાસે તે અવાર-નવાર બિભત્સ માંગણી કરતો હતો. તાજેતરમાં તે જેલમાંથી છુટયો હોય તેણીએ બદલો લેવા સંજય સાથે પ્રેમનું નાટક કરી અન્ય બે શખ્સો ગણેશ ઉર્ફે રવિ ઉર્ફે ટીટી તથા રાકેશ ભીખાભાઇ રાઠોડની સાથે પ્રિ-પ્લાન મુજબ સંજયને પોતાના ઘરે શરીર સુખ માટે બોલાવ્યો હતો અને અગાઉથી બે શખ્સો બાથરૂમમાં સંતાયા હતા. સંજય ઘરે આવ્યો ત્યારે રોશનીબેને તેને શેટીમાં સુવાડાવી વાતોમાં લઇ એકદમ મોઢે ડુચો દઇ દીધો હતો અને બાથરૂમમાં છુપાયેલા બંને શખ્સોએ સંજય ઉપર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા કરી લાશને ઘરની નજીક જ આવેલ બંબાખાનાના કમ્પાઉન્ડમાં અવાવરૂ જગ્યામાં મોડી રાત્રે ફેંકી આવ્યા હતા.

પોલીસે આ અંગે મહિલા સહિત ત્રણેયની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ ગણતરીની કલાકોમાં જ પોલીસે હત્યાનો ગુન્હો ઉકેલી આરોપીને ઝડપી લીધા છે. આ કામગીરીમાં એલસીબી પોલીસના પી.આઇ. વી.વી.ઓડેદરા, સી-ડીવીઝન પોલીસના પીઆઇ જે.આર.ભાયકન, પી.એસ.આઇ. એન.જી.જાડેજા તથા સ્ટાફ જોડાયો હતો.

(11:03 am IST)