Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ગીરગઢડાના વેળાકોટ ગામે થયેલ હુમલાના કેસમાં પકડાયેલ ચાર આરોપીઓને ત્રણ-ત્રણ વર્ષની સજા

અન્ય બે મહિલાઓને એક માસની સજા સાથે દંડ ફટકારતી કોર્ટ

ઉના, તા. ૧૯ :. ગીરગઢડા તાલુકામાં વેળાકોટ ગામે ૪ વર્ષ પહેલા બનેવીને ઘરે કેમ રાખેલ છે? નું મનદુઃખના ગુનામાં વેર રાખી લાકડી, હોકી, પાઈપ વતી હુમલો કરનાર ૬ આરોપી પૈકી ૪ને ૩ વર્ષની સખત કેદ તથા ૧૦ હજાર દંડ તથા બે મહિલાઓને ૧ માસની સાદી કેદ તથા રૂ. ૫૦૦ દંડની સજા ગીરગઢડાની કોર્ટના જજશ્રી દવેએ ફરમાવેલ છે.

જાણવા મળતી વિગત મુજબ ગીરગઢડા તાલુકાના વેળાકોટ ગામે ગત તા. ૧૬-૧૨-૨૦૧૭ના રોજ ઉના તાલુકાના અંજાર ગામના ચંદુ ધીરૂભાઈ બાંભણીયા, અશ્વિન ધીરૂભાઈ બાંભણીયા, મયુર રમેશ સોલંકી, મહેશ રમેશ સોલંકી રે. અંજાર, ગીતાબેન ભરત મેવાડા રે. રાતડ, જયાબેન રમેશ સોલંકી રે. અંજાર મોટર સાયકલ ઉપર લોખંડનો પાઈપ, લાકડી, હોકી જે હથીયાર ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી વેળાકોટ ગામે આવી વર્ષાબેનના ઘરે આવી 'તમે અમારા બનેવીને તમારા ઘરમાં કેમ રાખો છો ?' તેમ કહી ગાળો આપી આરોપી ૧ થી ૪નાએ લાકડી, પાઈપ, હોકીથી હુમલો કરેલ હતો. જેમાં ફરીયાદીને ડાબા હાથમાં તથા સોમાભાઈને તથા વર્ષાબેનને આડેધડ માર મારતા લોહીલુહાણમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામને દવાખાને સારવાર માટે લાવેલ હતા.

ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં પાંચ અંજાર ગામના અને એક મહિલા રાતડ ગામની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪ તથા ૩૨૫, ૫૦૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી. એકટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી હતી. ગીરગઢડાની જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા કેસ ચાલ્યો હતો અને ફરીયાદ પક્ષે સરકારી વકીલ અજયભાઈ તળાવીયાએ કરેલ દલીલો, આધાર-પુરાવા તથા પંચ, સાહેદોની જુબાની ધ્યાને લઈ રજુઆત કરી આકરીમાં આકરી સજાની માંગણી કરી હતી.

અંતે ગીરગઢડા કોર્ટના જજશ્રી એસ.પી. દવેએ જુબાની-પુરાવા-દલીલો માન્ય રાખી ગુનો સાબિત થતો હોય આરોપી (૧) ચંદુભાઈ ધીરૂભાઈ બાંભણીયા (૨) અશ્વિનભાઈ ધીરૂભાઈ બાંભણીયા (૩) મયુર રમેશભાઈ સોલંકી (૪) મહેશ રમેશભાઈ સોલંકી રે. તમામ અંજાર તા. ઉનાવાળાને ૩ (ત્રણ) વર્ષની સખત કેદની સજા, દરેકને રૂ. ૧૦ હજાર દંડ, દંડ ના ભરે તો ૯ માસની વધુ સજા તથા મહિલા આરોપી (૧) ગીતાબેન ભરતભાઈ મેવાડા રે. રાતડ, તા. ઉના (૨) જયાબેન રમેશભાઈ સોલંકી રે. અંજારવાળીને ૧ માસની સાદી કેદ તથા રૂ. ૫૦૦ દરેકને દંડની સજા કરી હતી. દંડ ના ભરે તો વધુ ૧૦ દિવસની સજા આપી હતી.

(11:38 am IST)