Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ભુજની અદાણી મેડિકલ કોલેજમાં દૂષિત પાણીથી છાત્રો બિમાર

ગૌતમ અદાણીથી માંડી કલેકટરને ટ્વીટ કરી ભાવિ તબીબોએ મોકલ્યા ટેન્કર પાસે પાણી ભરવા માટેની ડોલોના ઢગલાના ફોટા

(વિનોદ ગાલા દ્વારા)(ભુજ : ભુજની અદાણી મેડિકલ કોલેજમાં કાંયાવાળા દૂષિત પાણીના વિતરણે ભાવિ તબીબોને હોસ્પિટલ ભેગા કરતાં ચકચાર મચી ગઇ છે. કચ્છની મુખ્ય જિલ્લા સરકારી હોસ્પિટલ સાથે સંલગ્ન અદાણી મેડિકલ કોલેજ ગેઈમ્સમાં કાંયા વાળા દૂષિત પાણીના વિતરણથી ૫૦ જેટલા છાત્રો બીમાર પડી ગયા છે. જોકે, આ તમામ છાત્રો ની તબિયત બરાબર છે એવો ખુલાસો અદાણી ગેઇમ્સના મેનેજમેન્ટ દ્વારા કરાયો છે.  ગેઈમ્સ સંકુલમાં અભ્યાસ કરતાં ભાવિ તબીબોની હોસ્ટેલમાં દરરોજ નર્મદા જળ અને બોરવેલના મિક્સ પાણીનો જથ્થો ઓવરહેડ ટેન્ક મારફતે વિતરીત કરાય છે. પરંતુ, આ સમસ્યાનું કારણ નર્મદાનું પાણીના અનિયમિત થતાં ગેઈમ્સ સંકુલમાં આવેલ બોરના કાંયાવાળા પાણીનો પુરવઠો સીધો જ વિતરિત કરાતાં આ સમસ્યા સર્જાઈ છે. મેડિકલ છાત્રોની ફરિયાદને પગલે બૂમરાણ થતાં મેડિકલ કોલેજના મેનેજમેન્ટ દ્વારા બોરના પાણીનો પુરવઠો બંધ કરી દઈને બહારથી ટેન્કરો મારફતે શુધ્ધ પાણીનું વિતરણ શરૂ કરાયું છે. અશુદ્ધ પાણીથી બિમાર પડેલાં મોટાભાગના છાત્રોને સામાન્ય તાવ અને શરદી જેવા લક્ષણો છે. કાંયા વાળા અશુધ્ધ પાણી વિતરણના ફોટા અને છાત્રો બીમાર પડ્યા બાદ ટેન્કર દ્વારા કરાતાં પાણી વિતરણના ડોલોના ઢગલા સાથેના ફોટાઓ ભાવિ તબીબોએ ટ્વીટ સાથે ગૌતમ અદાણી અને કચ્છ કલેકટરને મોકલ્યા હતા.

(3:25 pm IST)