Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ભાડાની થારમાં ડીઝલ પુરાવી નાસી છૂટેલા જૂનાગઢના શખ્‍સની ધરપકડ

વિસાવદર પોલીસે સીસીટીવીના માધ્‍યમથી દબોચી લીધો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૯ : વિસાવદર તાલુકાના ગામના જૂની ચાવંડના પાટીયા પાસે આવેલ પેટ્રોલ પંપ પર કર્મચારી ધવલ રાજેશભાઈ માણસુરિયા પાસેથી ૭ માર્ચના રોજ મોડી રાત્રે જીજે-૨૩-સીઈ-૩૩૩૦ નંબરની થાર કારમાં રૂપિયા ૩,૮૦૦નું ડીઝલ ભરાવી પૈસા આપ્‍યા વગર ચાલક થાર પુરઝડપે ચલાવીને નાસી ગયો હતો. આ બનાવ સમયે પેટ્રોલ પંપનો એક કેમેરો બંધ હતો.

 

આ અંગેની અરજીના આધારે વિસાવદરના પીઆઇ આર. બી. ગઢવીના માર્ગદર્શનમાં એએસઆઈ એ. એસ. ચૌવટે નેત્રમ શાખાની મદદ લઈ કારના નંબરના આધારે ડીઝલ પુરાવીને ભાગી છૂટેલો જૂનાગઢમાં બીલખા રોડ પર આવેલ ઇન્‍દિરા નગરનો વતની અને કુવાડવા રાજકોટ ખાતે રહેતો દિનેશ નટુભાઈ વકાતર ઉ. વ. ૨૧ને ઝડપી લઇ થાર પણ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં પકડાયેલા શખ્‍સે તેના મિત્રના લગ્ન પ્રસંગે થાર ભાડે મેળવી હતી પરંતુ ડીઝલ ખૂટી જતા ડીઝલ પુરાવીને ફરાર થઈ ગયો હતો. તેમ ખુલ્‍યું હતું.

 

(2:18 pm IST)