Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

મુન્દ્રા ૩.૭૫ કરોડના સોપારી દાણચોરી તોડકાંડના પોલીસ કર્મીના જામીન હાઇકોર્ટ દ્વારા નામંજૂર

કોર્ટ દ્વારા ફરાર જાહેર કરાયેલ બે આરોપી ૬ મહિનાથી હજી પોલીસના હાથમાં આવ્યા નથી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ :  દેશમાં દાણચોરીથી સોપારી ઘુસાડી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડનારા દાણચોરો ને પકડવાના બદલે ઝડપેલ સોપારી છોડી મૂકવા ૩.૭૫ કરોડની લાંચ લેવાના કચ્છ બોર્ડર રેન્જના પોલીસ કર્મીઓના કિસ્સાએ સમગ્ર રાજ્યમાં ચકચાર સર્જી હતી. આ અંગે ૬ મહિના પૂર્વે પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ થયા બાદ વોન્ટેડ પોલીસ કર્મી એએસઆઈ કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા ની અટક કરાઈ હતી. આ પોલીસ કર્મી એ હાઇકોર્ટ માં જામીન અરજી કરી હતી. જેમાં પોલીસ દ્વારા આરોપી માસ્ટર માઈન્ડ હોવાની દલીલ કરાતાં આરોપી પોલીસ કર્મીના જામીન હાઇકોર્ટ દ્વારા નામંજૂર કરાયા હતા. આ ગુનામાં ભુજ કોર્ટ દ્વારા મિલકત જપ્તી સહિતના ઓર્ડર કરી ફરાર જાહેર કરાયેલ બે પોલીસ કર્મીઓ ભરત ગઢવી અને રણવીરસિંહ ઝાલા હજી ફરાર છે. તેમની સામે ગત ઓકટોબર માં ગુનો દાખલ થયો હતો. જોકે, તોડકાંડ ના પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે.

(12:21 pm IST)