Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે ચૂંટણીના ફોર્મ ભરવાનો છેલ્લો દિ'

૨૨મીએ ચિત્ર સ્‍પષ્‍ટ થશેઃ ભાજપ, કોંગ્રેસ, આપ સહિત રાજકીય પક્ષોના ઉમેદવારો લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીના જંગમાં

રાજકોટ,તા. ૧૯: લોકસભાની તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. આજે સાંજ સુધી રાજકીય પક્ષોના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શકશે.

ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

ભુજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ મોરબી કચ્‍છ લોકસભા બેઠક માટે ગઈ કાલ તા.૧૮ સુધીમાં ૧૪ ઉમેદવારોના ફોર્મ ભરાયા છે. જેમાં એક મહિલા ઉમેદવાર પણ છે. જોકે, ૧૪ પૈકી કોંગ્રેસના મુખ્‍ય ઉમેદવાર નિતેશ લાલણ સાથે બે ડમી અને ભાજપના મુખ્‍ય ઉમેદવાર વિનોદ ચાવડા સાથે એક ડમી એમ બે મુખ્‍ય રાજકીય પક્ષોના પાંચ ઉમેદવાર છે. જયારે અન્‍ય ૯ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં બસપ, સર્વ સમાજ પાર્ટી, રાઈટ ટુ રિકોલ પાર્ટી, ગુજરાત સર્વ સમાજ પાર્ટી, રાષ્ટ્રીય પાવર પાર્ટી અને અપક્ષ ઉમેદવારો છે. એક મહિલા ઉમેદવારે પણ ઝુકાવ્‍યું છે. જોકે, આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. આવતીકાલે તા.૨૦ ના ઉમેદવારી પત્રની ચકાસણી થશે. જયારે ૨૨ તા. ના ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આમ, ૨૨ ની સાંજ સુધી ઉમેદવારોનું અંતિમ ચિત્ર ક્‍લિયર થઈ જશે. ૭ મી મેના મતદાન છે.

(11:06 am IST)