Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

વાંકાનેરમાં ૧૨ મોતઃ બપોરે ૩ થી સ્વયંભુ લોકડાઉન

કોરોના કેસ અને મૃત્યુઆંક વધતા લોકોમાં ચિંતાઃ રેમડેસિવિર ઈન્જેકશન અને ઓકિસજનના બાટલા માટે દોડધામ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૯ :. વાંકાનેરમાં કોરોના મહામારીનો વ્યાપ વધવાને પગલે હવે શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન માટે વધુ વેપારી એસોસીએશન જોડાતા હવે આજથી સવારથી બપોરના ૩ વાગ્યા સુધી બજારો ખુલ્લી રહેશે. ૩ વાગ્યા બાદ શહેરમાં સ્વયંભૂ લોકડાઉનના દ્રશ્યો જોવા મળશે.

વાંકાનેરમાં બિમારીના ભરડામાં મૃતાંક સતત વધી રહેલો જોવા મળે છે. ગઈકાલે રવિવારે મરણાંક ૧૨ એ પહોંચ્યો હતો. ઋતુજન્ય તાવના કેસો શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. વાંકાનેરના નિવૃત પોસ્ટ મોસ્તર અબ્દુલ મજીદ મેસાણીયાના ધર્મપત્નિ નજીવી બિમારીમાં મૃત્યુ પામ્યા હતા. જયારે ગઈકાલે વ્હોરા અગ્રણી બાકીરભાઈ (ઉ.વ. ૬૩)નું મૃત્યુ થયુ હતું. વાંકાનેરમાં રોગચાળાએ માઝા મુકી છે ત્યારે નગરપાલિકાનો સ્ટાફ બિમાર હોય, લોકો સફાઈ અને શુદ્ધ પાણી માટે અપેક્ષા રાખી રહ્યા છે.

વાંકાનેરમાં જે તે હોસ્પીટલોમાં ગંભીર દર્દીઓને જરૂરી રેમડેસિવિર ઈન્જેકશન તથા ઓકિસજનના બાટલાઓ માટે દર્દીઓના સગાસંબંધીઓ ઠેર ઠેર ભટકી રહ્યાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

(10:10 am IST)