Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

સર્વત્ર સૂર્યપ્રકોપથી બપોરે રસ્તાઓ સુમસામ : તાપમાનનો પારો ઉંચો

સવારથી જ ધોમધખતો તાપ : આકરી ગરમીથી લોકો ત્રાહીમામ

રાજકોટ, તા.૧૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે મહત્તમ તાપમાન ૪૪ ડીગ્રી એ પહોંચતા બપોરે રસ્તાઓ સુમસામ થઇ જાય છે. સતત તાપથી અસહય ઉકળાટ અનુભવાય છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જૂનાગઢમાં ગંભીર હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેના પગલે મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી ઉપર રહેવાની સંભાવના જોવાઈ રહી છે.

છેલ્લા ત્રણ દિવસથી તાપમાન સતત વધી રહ્યું છે બુધવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીને પાર થઈ ગયું હતું. અને આજે સવારથી પણ ગરમ પવન ફૂંકાતા ગરમીનું જોર વધ્યું છે.

આજે પણ સવાર કરતાં રાત્રિનું તાપમાન ૨૯.૬ ડીગ્રી રહ્યા બાદ સવારે બુધવારની સરખામણીએ લઘુતમ તાપમાન વધીને ૨૬.૩ ડીગ્રીએ પહોંચી ગયું હતું. જોકે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૨% રહેતા વહેલી સવારે રાહત અનુભવાય હતી. સવારથી ૧.૯ કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાતા વાતાવરણ વધુ ગરમ થઈ ગયું છે. મહત્તમ તાપમાનનો પારો ૪૨ ડિગ્રી ઉપર રહેતા જનજીવનને ખૂબ જ અસર થવા પામી છે. આકરા તાપને લઈને બપોર થતા એની સાથે માર્ગો અને બજારો સુમસામ થઈ જાય છે. લોકોને અંગ દઝાડતી લુ અસહ્ય તાપને લઈને સાવચેતી રાખવા અને ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા સલાહ આપવામાં આવેલ છે.

ભાવનગર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં તીવ્ર ગરમીનું મોજુ પ્રસરી રહ્યું છે. તંત્ર દ્વારા ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં ગરમી નો પારો વધીને  ૪૧.૭ ડિગ્રીએ લોકો આકરા તાપમાનમાં શેકાયા હતા. ચાર દિવસમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન છ ડિગ્રી ઊંચકાયું છે.

ગોહિલવાડ પંથકમાં ઉનાળો આકરો બની રહ્યો છે.  વધુ બે ડિગ્રી મહત્તમ તાપમાન  વધતા ગરમી નો પારો ૪૧.૭ ડિગ્રી ને આંબી જતા લોકો તોબા પોકારી ગયા હતા. આજે સિઝનનું સર્વોત્તમ મહત્તમ તાપમાન ભાવનગરમાં નોંધાયું છે.

 બુધવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન  ૪૧.૭ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૭.૦ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૭% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ ૧૨ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન ૨૫.૬, મહત્તમ તાપમાન ૪૦, ભેજનું પ્રમાણ ૬૬ ટકા, પવનની ગતી ૭.૬ કિ.મી. રહી હતી.

(11:09 am IST)