Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ગુજરાતના રાજકારણમાં પ્રથમ કિસ્‍સોઃ પોરબંદર જીલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્‍યક્ષ કેશુભાઇ સીડાની બંને પત્‍નીઓએ એક જ વોર્ડમાંથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્‍યુઃ એકે ભાજપમાંથી તો બીજાએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યુ

પોરબંદર: બે પત્નીઓ વચ્ચે પીસાતા પતિના કિસ્સાઓ આપણે ફિલ્મોમાં ઘણા જોયા છે. પરંતું પોરબંદરમાં હકીકતમાં આ કિસ્સો જોવા મળ્યો છે. પોરબંદરમાં બે પત્નીઓ વચ્ચે પતિનો મરો થયાનો ઘાટ સર્જાયો છે. પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના નેતાની બે પત્નીઓએ એક જ વોર્ડમાંથી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જેને કારણે નેતા પતિનું ટેન્શન વધી ગયું છે. એક પત્ની ભાજપની ઉમેદવાર, અને બીજી પત્ની કોંગ્રેસની ઉમેદવાર... આવામાં નેતા પતિ અટવાયા છે. પોરબંદરમાં  નગરપાલિકાના એક જ વોર્ડમાં બે પત્નીઓ અલગ-અલગ પાર્ટીમાંથી ચૂંટણીમાં ઝંપલાવતા પતિએ માથાકૂટ કરવાનો ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. એક પત્નીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે, તો બીજી પત્નીએ કોંગ્રેસમાથી ઉમેદવારી નોંધાવી છે.

ગુજરાતના રાજકારણનો પહેલો કિસ્સો

પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કેશુ સીડાને બે પત્નીઓ છે. તેમની બંને પત્નીઓ રાજકારણમાં એક્ટિવ છે. તેની પ્રથમ પત્ની ઉષાબેન સીડા પોરબંદર નગરપાલિકાના વોર્ડ નંબર 3માંથી ભાજપના ઉમેદવાર છે. તો તેમની બીજી પત્ની શાંતાબેન સીડા પણ વોર્ડ નંબર 3માંથી કોંગ્રેસના ઉમેદવાર છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ ચર્ચા જગાવનારો કિસ્સો છે. ગુજરાતના રાજકારણમાં પહેલીવાર એવું જોવા મળ્યું છે કે, બે પત્નીઓએ અલગ અલગ પક્ષમાંથી દાવેદારી કરી હોય. જોકે, પતિ કેશુ સીડા તો પહેલી પત્ની ઉષાબેનને જ સમર્થન આપી રહ્યાં છે.

કેશુ સીડા બંને પત્નીઓને જાહેરમાં સ્વીકારે છે

કેશુ સીડા પોરબંદર ભાજપના અગ્રણી નેતા છે. તેમજ ભાજપના આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ છે. કેશુ સીડા તેમની બંને પત્નીઓને જાહેરમાં સ્વીકારે છે. બીજા પત્નીથી તેમને બે સંતાનો પણ છે. તેમના પહેલા પત્ની ઉષાબેન જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. તો શાંતાબેન વોર્ડ આ જ વોર્ડમાં ગ્રામ પંચાયતમાં ચૂંટાયા હતા. ઉલ્લેખનીય છે કે, નવા સીમાંકન પ્રમાણે ધરમપુર જિલ્લા પંચાયતનો વિસ્તાર હવે પોરબંદર નગરપાલિકામાં સમાયો છે. ત્યારે હવે બંને પત્નીઓ સામસામે આવી ગઈ છે. તેમાં પણ બંને પત્નીઓનો પક્ષ અલગ અલગ હોવાથી તેઓ રાજકીય દુશ્મનો બન્યા છે. સમગ્ર કિસ્સાથી પોરબંદરની ચૂંટણી ચર્ચા જગાવી રહી છે.

બીજી પત્નીની દાવેદારીથી ગિન્નાયા કેશુ સીડા

જોકે, આ ચૂંટણીમાં કેશુ સીડાનું સમર્થન તેમની પહેલી પત્નીને છે. બીજી પત્નીની કોંગ્રેસમાંથી દાવેદારીથી ગિન્નાયા હતા. બીજી પત્નીની અન્ય પક્ષમાંથી દાવેદારી થતા તેમણે બીજી પત્નીના ઘર બહાર તોડફોડ કરી હતી. તેમજ ચૂંટણીમાંથી ખસી જવા અને પ્રચારમાં ન જવા તેમણે બીજી પત્નીને ધમકી આપી હતી. ત્યારે તેમનો ધમકીભર્યો અને અપશબ્દો બોલતો ઓડિયો પણ સામે આવ્યો છે. ત્યારે આ ઘટનાને પગલે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

રાજા દશરથને પણ ત્રણ પત્નીઓ હતી - કેશુ સીડા

જોકે, કેશુ સીડા પોતે બે પત્નીઓ હોવાનું સ્વીકારે છે. બે પત્નીઓ ધરાવનાર ભાજપના નેતા કેશી સીડા સ્પષ્ટ કહે છે કે, બે પત્ની હોવું ખોટુ નથી, રાજા દશરથને પણ ત્રણ પત્નીઓ હતી. હિન્દુ ધર્મમાં ક્યાંય લખ્યુ જ નથી કે તમે વધારે પત્ની રાખી ન શકો. એ તો કાયદામાં વધુ પત્ની રાખવાનો અધિકાર નથી. જોકે, કેશુ સીડા તો પ્રથમ પત્નીને જ ચૂંટણી પ્રચારમાં મદદ કરી રહ્યાં છે.

(4:44 pm IST)