Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ધોરાજીના ઝાંઝમેરમાં ભાજપમાંથી ઉમેદવારીપત્ર પાછુ ખેંચનાર ડો.ચિરાગ દેસાઇએ કોઇની ધમકી કે ત્રાસથી દવા પીધી ?

હજુ બેભાન હોવાથી ભાનમાં આવ્યા બાદ પોલીસ તપાસ હાથ ધરશે

ધોરાજી,તા. ૧૮: તાજેતરમાં ધોરાજી તાલુકાના ઝાંઝમેર સીટ પર ભાજપ માંથી ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી પાછી ખેંચી લેનાર ઉમેદવાર ડો. ચિરાગ રમેશભાઈ દેસાઈ (પટેલ) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમને ધોરાજી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ ને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે.

ધોરાજી તાલુકા પંચાયતમાં ધોરાજી તાલુકાની ઝાંઝમેર સીટ પરથી ભાજપ પક્ષ તરફથી ઉમેદવાર તરીકે ડો. ચિરાગ રમેશભાઈ દેસાઈ ઉવ.૩૭ એ ઉમેદવારી નોંધાવી હતી. અને બે દિવસ પૂર્વે તેમણે તેમનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા ઝાંઝમેરની સીટ કોંગ્રેસના ખોળે બિન હરીફ થઈ હતી.

આ મામલે ધોરાજી પોલીસે જણાવેલકે ધોરાજી ના હિરપરા વાડી ખાતે રહેતા ચિરાગભાઈ રમેશભાઈ દેસાઈ નામના વ્યકિતએ મોનોકોટો નામની ઝેરી દવા પી લીધા હોવાનું શિવ હોસ્પિટલના સૂત્રોએ જણાવતા ધોરાજી પોલીસ હોસ્પિટલ ખાતે તપાસ અર્થે ગઈ હતી પરંતુ દર્દી ભાનમાં ન હોવાના કારણે નિવેદન નોંધી શકયા નથી. અને હાલ દર્દી ભાનમાં ન હોવાથી તેમના ભાનમાં આવ્યા બાદ પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવશે. આ મામલે શિવ હોસ્પિટલના ડો. સંદ્યાણી એ દર્દીની હાલત સ્થિર હોવાનું જણાવ્યું હતું.

હાલ ડો. ચિરાગે કયાં કારણોસર ઝેરી દવા પીધી એ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.

ડોકટરના પિતા શું કહે છે..?

ભાજપના ઉમેદવાર ચિરાગ દેસાઈએ ઝેરી દવા પીધી તે બાબતે ડોકટરના પિતા રમેશ ભાઈ દેસાઈ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તેમના પુત્રની પસંદગી થઇ હતી અને ફોર્મ ભર્યા બાદ તેમને કોઈ અગમ્ય કારણોસર ફોર્મ ખેંચી લીધું હતું ત્યારથી તે સતત ટેન્શનમાં હતો અને ટેન્શનને કારણે એમને ઝેરી દવા પીધી હોય તેવું તેમનું માનવું છે

પરંતુ ભાજપના ઉમેદવાર ચિરાગ દેસાઈ ઝેરી દવા પીવા નું કારણ શું છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી કોઇની ધમકી હતી કે કોઇના માનસિક ત્રાસના કારણે આ પગલું ભરવું પડ્યું તે બાબતે પોલીસ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે

વાસ્તવિક તો પોલીસના નિવેદન બાદ જ ખ્યાલ આવશે...?

(11:26 am IST)