Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પોરબંદર સાંદીપનીમાં પૂ. રમેશભાઇ ઓઝાના સાનિધ્યમાં નવરાત્રી અનુષ્ઠાન મહોત્સવનો પ્રારંભ

દરરોજ સવારે કુમારિકા પૂજન, પૂ. ભાઇશ્રી તથા ઋષિકુમારો દ્વારા શ્રી રામ ચરિત્ર માનસની ચોપાઇ : સાંજે/દેવી ભાગવત કથા : હરિભકતો ઘરેથી યુ ટ્યુબ અને ફેસબુકના માધ્યમથી અનુષ્ઠામાં જોડાઇ શકશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા.૧૭ : રાષ્ટ્રીય સંત પૂજય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે ૩ ૯ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ આજથી તા. ૧૭ થી ૨૬ દરમ્યાન યોજાશે. આ વર્ષે કોરોનાની પરિસ્થિતિને અને મર્યાદાઓને ધ્યાનમાં લઈને ભાવિકો પોતાના ઘરેથી જ શ્રીરામ ચરિતમાનસ પાઠ અને અન્ય મનોરથોના દર્શનમાં જોડાશે.

આ નવરાત્રિ મહોત્સવ દરમ્યાન પ્રતિદિન સવારે ૭:૩૦ થી ૮:૩૦ દરમ્યાન સાંદીપનિના સભાગૃહમાં મુખ્ય સ્થાપન પૂજા થશે જેના મનોરથીઓ ઝૂમ એપના માધ્યમથી જોડાશે. સવારે ૮:૩૦ થી ૯:૩૦ દરમ્યાન શ્રી હરિમંદિરમાં માં કરૂણામયી માતાજીની ષોડશોપચાર પૂજા થશે.

પ્રતિદિન સવારે પૂજય ભાઇશ્રી દ્વારા સવારે ૯:૩૦ વાગ્યે કુમારિકા પૂજન થશે અને ત્યારબાદ પૂજય ભાઇશ્રી અને ઋષિકુમારો દ્વારા શ્રીરામ ચરિતમાનસની ચોપાઇઓનો બપોરે ૧૨:૩૦ સુધી સંગીતમય પાઠ થશે. જેમાં અનેક શ્રીહરિ ભકતો પોતાના ઘરેથી સાંદીપની ટીવી, ભાઇશ્રી, રમેશભાઇ ઓઝા યુ ટ્યુબ ચેનલ અને સાંદીપની વિદ્યાનિકેતન ફેસબુકના માધ્યમથી શ્રીરામ ચરિતમાનસના અનુષ્ઠાનમાં જોડાઈ શકે છે.

નવરાત્રિ દરમ્યાન પ્રતિદિન સાંજે ૪:૩૦ થી ૬:૩૦ દરમ્યાન સાંદીપનિના શ્યામભાઇ ઠાકર (પૂર્વ ઋષિકુમાર) શ્રીમદ્દેવીભાગવત કથાનું કરાવશે. એ સાથે-સાથે પ્રતિદિન સાંદીપનિના અન્ય ત્રકષિકુમારો પણ પ્રવચન આપશે. કથા બાદ શ્રીહરિમંદિરમાં સાયં આરતી થશે અને માં કરુણામયીની પ્રતિદિન દિવ્ય ઝાંખીઓના દર્શનનો લાભ લઈ શકશે. જેનું લાઇવ ટેલિકાસ્ટ થશે.

નવરાત્રિ મહોત્સવમાં તા.૨૪ શનિવારના દુર્ગાષ્ટમીના પાવન દિવસે સવારે ૮:૦૦ થી ૧:૦૦ દરમ્યાન સાંદીપનિની યજ્ઞશાળામાં વૈદિક વિધિ-વિધાન અનુસાર

''દુર્ગાસપ્તશતી હોમાત્મક નવચંડી યજ્ઞ''  સાંદીપનિના ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા સંપન્ન થશે.

શ્રીરામચરિત માનસ અનુષ્ઠાન પૂર્ણ થયાના બીજે દિવસે તા.૨૬ સોમવાર, વિજયદશમીના શુભ દિવસે અનેક શુભ કાર્યક્રમ સંપન્ન થશે જેમાં..સાંદીપનિ સ્થિત શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયની નવનિર્મિત અને ટેકકનોલોજીથી સુસજ્જ લાઈબ્રેરીનું પૂજય ભાઇશ્રીના કરકમલોથી લોકાર્પણ થશે.  એ સાથે સાથે સાંદીપનિ ગુરૂકુળમાં નવનિર્મિત એડમીન ઓફિસ અને અદ્યતન ૪૦ કોમ્પ્યુટર અને પ્રોજેકટર સહિતની કોમ્પ્યુટર લેબનું પૂજય ભાઇશ્રીના કરકમલોથી લોકાર્પણ થશે.

સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ દરમ્યાન સાંદીપનિની યજ્ઞશાળામાં વૈદિક વિધિ-વિધાન અનુસાર ''સુંદરકાંડ હોમાત્મક યજ્ઞ'' સાંદીપનિના ગુરૂજનો અને ઋષિકુમારો દ્વારા સંપન્ન થશે જેનું લાઇવ ટેલિકાસ્ટ થશે.   વિજયાદશમીના દિવસે બપોર પછી પ્રતિવર્ષ અનુસાર પૂજય ભાઇશ્રી અને ઋષિકુમારો દ્વારકા જવા માટે પ્રસ્થાન કરશે અને સાંજે ૫:૩૦ પછી દ્વારકાધીશના મંદિરે વિધિપૂર્વક ધ્વજારોહણનો મનોરથ કરશે.

આ નવરાત્રિ મહોત્સવના મનોરથી તરીકે વીણાબહેન નરેશભાઇ નાગરેચા મલેશિયા, શ્રીમતી નીલમબેન હિતેશભાઇ જયસ્વાલ-અમેરિકા, શ્રીમતી નિશાબહેન અજયભાઈ રાઠી-પૂના અને સુશ્રી ગીતાબહેન આહુજા-મુંબઈ એ સેવા આપી છે. તમામ કાર્યક્રમો કોવિડ-૧૯ની પરિસ્થિતિ અને મર્યાદાઓને ધ્યાનમાં રાખીને થવાના હોય તમામ ભાવિકોને પોતાના ઘરે રહીને જ અનુષ્ઠાન અને દર્શનોનો લાભ લેવા યાદીમાં જણાવાયુ છે.

(11:57 am IST)