Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

કચ્છમાં ૧૯૦૦ શિક્ષકોની ઘટ પુરવા શિક્ષણમંત્રીને રજુઆત: પ્રવાસી શિક્ષકો નીમવાના પૂર્વ ધારાસભ્ય તારાચંદ છેડાના સૂચનને પગલે આયોજન કરવા ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ખાતરી

(ભુજ) કચ્છમાં શિક્ષકોની મોટી સંખ્યામાં રહેલી ઘટ બાબતે પૂર્વ ધારાસભ્ય તારાચંદ છેડાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો હતો. પત્ર દ્વારા કરેલી રજુઆતમાં શ્રી છેડાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એટલે ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો હતો. જેને પગલે છેવાડાના વિસ્તારો સુધી શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી હતી. અત્યારે કચ્છ જિલ્લામાં ૧૯૦૦ શિક્ષકોની ઘટ છે. તે વચ્ચે જિલ્લા ફેર બદલીઓ થતી રહે છે. આવા સંજોગોમાં બાળકોના શિક્ષણ માટે અલાયદું આયોજન કરવું જરૂરી છે. શ્રી છેડાએ પોતે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવાનોને વિધ્યાસાથી તરીકે નિયુકતી આપી શિક્ષકોની ઘટ પુરી કરવા પ્રયાસ કર્યો હતો. જે પ્રોજેક્ટને રાજ્ય સરકારે પણ સહયોગ આપ્યો હતો. અત્યારે પણ અલાયદું આયોજન કરી સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવાનને તાલીમ આપી શિક્ષકોની ઘટ પુરી કરવી જોઈએ. દરમ્યાન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ભુજમાં હોઈ એમણે ભાજપના વરિષ્ઠ નેતા અને પોતાના જુના સાથીદાર પૂર્વ ધારાસભ્ય તારાચંદ છેડાની રુબરુ મુલાકાત લીધી હતી. રુબરુ મુલાકાતમાં શિક્ષણમંત્રી શ્રી ચૂડાસમાએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.  મુલાકાત સમયે રાજ્યના શિક્ષણમંત્રીનું શાલ ઓઢાડી અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપના મંત્રી કે.સી. પટેલ અને કચ્છ ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ સાથે રહ્યા હતા.

(9:55 am IST)