Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

પાડોશીઓની છેડતીથી આઘાત પામેલ વિધવા મહિલાના આપઘાત બાદ પાડોશીઓ ગુમ

ભુજમાં પાણીના કકળાટ વચ્‍ચે બનેલ મહિલાના આપઘાતનો બનાવ ચર્ચાની એરણે : ૮ પાનાની સુસાઇડ નોટમાં છેડતીના ગંભીર આક્ષેપો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭ : ભુજની ન્‍યુ લોટસ કોલોનીમાં રહેતા ૫૦ વર્ષીય વિધવા મહિલા જમનાબેન માંગીલાલ બસીરા એ આપઘાત પૂર્વે લખેલ ચીઠ્ઠી એ ભુજ સહિત સમગ્ર શહેરમાં ચકચાર સાથે ચર્ચા સર્જી છે. ધોબીનું કામ કરતાં જમનાબેન બસીરાએ સુસાઇડ નોટમાં પોતાના ૧૨ પાડોશીઓ સામે પોતાની છાતી દબાવી ગંભીર છેડતીના કરેલા આક્ષેપો અંગે તેમની પુત્રી છાયા રવિ બારીયાએ ભુજ બી ડિવિઝન પોલીસમાં કરેલ ફરિયાદ બાદ જેમના ઉપર આરોપ છે એ તમામ ૧૨ પાડોશીઓ ઘર બંધ કરી ગુમ થઈ ગયા હોવાનું જાણવા મળે છે. જોકે, આ ચકચારી બનાવ અંગે પોલીસ તપાસ બાદ જ સત્‍ય બહાર આવી શકે એમ છે. ભુજમાં પાણી  સર્જેલ કકળાટ આ ઘટનાના મૂળમાં છે અને આ સમગ્ર બનાવ અંગે પોલીસમાં આ અંગે લખાવાયેલ ફરિયાદ આ પ્રમાણે છે.

મળતક જમનાબેનને સંતાનમાં ચાર દીકરીઓ છે, તમામ પરણીને સાસરે ઠરીઠામ થયેલી છે. ૧૪ વર્ષ અગાઉ પતિ મંગીલાલનું રોડ અકસ્‍માતમાં અવસાન થયું હોઈ તેઓ એકલા રહેતાં હતાં. ન્‍યુ લોટસ સોસાયટીમાં નગરપાલિકાનું પાણીનું ટેન્‍કર આવતું ત્‍યારે આસપાસ રહેતાં પડોશીઓ પોતાની મેળે પાણી ભરી લેતાં હતાં અને જમનાબેનને ગાળો ભાંડીને પાણી ભરવા દેતાં નહોતાં.

જમનાબેન રોજ દીકરી છાયાને ફોન કરીને પડોશીઓ દ્વારા પાણી ભરવા મુદ્દે કરાતાં અત્‍યાચાર અને અન્‍યાયની ફરિયાદ કરતાં હતાં. શુક્રવારે સવારે ૧૧ના અરસામાં જમનાબેને છાયાને ફોન કરીને કહેલું કે ‘પડોશી અરવિંદ રાજગોર, તેની પત્‍ની ભાવના, બે દીકરા મીત અને અજુલ તથા પૂર્વીબેન જીતુભાઈ જેઠી, તેની દીકરી વિશ્વા, જીગર ચૌહાણ અને તેનો ભાઈ ખુશાલ ઊર્ફે બબુજી ચૌહાણ, જ્‍યોતિબેનં મહેશભાઈ ચૌહાણ, અંકિતા જીગરભાઈ ચૌહાણ, પ્રિન્‍સ વિનોદભાઈ ભટ્ટી અને તેની પત્‍ની રેખા વગેરે આપણાં ઘરમાં ઘૂસી આવેલાં. અરવિંદ અને તેની પત્‍ની ભાવનાએ મને છાતીના ભાગેથી પકડી રાખેલી તથા જીગર અને ખુશાલે મારી સાથે ઝપાઝપી કરી બીભત્‍સ ગાળો બોલી હેરાન કરેલી' આટલું બોલીને જમનાબેન રડવા માંડેલાં. આ બનાવ ૧૨ એપ્રિલની સાંજે બન્‍યો હતો. દીકરીએ માતાને શાંત કરી આશ્વાસન આપેલું કે ‘છોકરાઓની પરીક્ષા કાલે પૂરી થઈ જાય છે એટલે હું સાંજે ભુજ આવું છું' ૧૩ એપ્રિલ શનિવારે આપઘાત કરતાં અગાઉ જમનાબેને બે વખત દીકરીને ફોન કરેલો. બપોરે દોઢ વાગ્‍યે જમનાબેને છાયાને ફોન કરી પૂછયું હતું કે શ્નતું કયારે આવીશ? આ લોકોના ત્રાસથી હું કંટાળી ગઈ છું. મારાથી આ હવે સહન નથી થતું, હું હવે કંઈક આડુંઅવળું પગલું ભરી લઈશ' છાયાએ પોતે બપોરે ઘરેથી નીકળીને ભુજ આવતી હોવાનું કહેલું.

 બે વાગ્‍યે છાયાએ મમ્‍મીને ફોન કરતાં તેમણે ઉપાડ્‍યો નહોતો. વારંવાર ફોન કરવા છતાં સતત રીંગ રણકતી રહેતાં છાયાએ પડોશમાં રહેતી મમ્‍મીની મિત્ર અરુણાબેન અને બિંદીયાબેનને જાણ કરી ઘરે જઈ તપાસ કરવા કહેલું. થોડીકવાર બાદ છાયાને તેના માસીએ ફોન કરી તેની મમ્‍મી સિરિયસ હોવાનું કહી તત્‍કાળ ભુજ આવી જવા જણાવ્‍યું હતું. છાયા પોતાના પતિ તથા ગાંધીધામ રહેતી નાની બહેન અને તેના પતિ સાથે મારતી ગાડીએ ભુજ આવી પહોંચી ત્‍યારે ખબર પડી- હતી કે મમ્‍મીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મરતાં પૂર્વે જમનાબેને આઠ કાગળોમાં પાણી બાબતે પડોશીઓએ ઘરમાં ઘૂસીને કરેલી છેડતી અને અત્‍યાચારની વિગતો લખી ઘરના મંદિરમાં મૂકી દીધાં હતાં.

ભુજ બી ડિવિઝન પોલીસે છાયાની ફરિયાદના આધારે ૧૨ લોકો સામે ઈપીકો કલમ ૩૦૬, ૪૫૨, ૩૨૩, ૨૯૪ (બી), ૧૪૧, ૧૪૩ અને ૩૫૪ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(12:09 pm IST)