Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

મોરબી - કચ્‍છ સહિત ગુજરાતની તમામ બેઠક ઉપર ભાજપની જીત રાજકીય ઇતિહાસ સર્જશે : સી.આર.પાટીલ

વિનોદ ચાવડા જાગૃત લોકપ્રતિનિધિ, ખુદ નરેન્‍દ્રભાઇએ પ્રદેશ મહામંત્રી તરીકે તેમના નામનું સૂચન કરેલુ : જબરદસ્‍ત રોડ શો અને જંગી જાહેરસભા : કોંગ્રેસના વિપક્ષી નેતા સહિતના આગેવાનોએ કર્યા કેસરિયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭ : મોરબી કચ્‍છ લોકસભા બેઠક માટેના ચુંટણી પ્રચાર દરમ્‍યાન વિશાળ રોડ શો અને જંગી જાહેરસભા સાથે કેસરિયો માહોલ છવાયો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની વિશેષ ઉપસ્‍થિતિ સાથે જ ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં જબરદસ્‍ત ઉત્‍સાહ વરતાયો હતો.

આ પ્રસંગે આયોજિત વિજય સંકલ્‍પ સંમેલનને સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્‍યું હતું કે, વર્તમાન લોકસભાની ચુંટણીમાં લોકોએ ફરી નરેન્‍દ્રભાઈને સત્તાનું સુકાન સોંપી ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું નક્કી કરી લીધું છે. ત્‍યારે, મોરબી કચ્‍છ સહિત સમગ્ર ગુજરાતની ૨૬ એ ૨૬ બેઠકો ઉપર કેસરિયો લહેરાશે અને રાજયના રાજકીય ઇતિહાસમાં ભાજપના ભવ્‍ય વિજયની નોંધ લેવાશે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ સવાયા કચ્‍છી છે અને કચ્‍છનો ઔદ્યોગિક, પ્રવાસન સહિતના ક્ષેત્રે થયેલો વિકાસ આજે સૌ સામે છે. કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાઓ ના લાભો દેશના છેવાડાના વિસ્‍તાર સુધી પહોંચ્‍યા છે. મોરબી કચ્‍છ બેઠક ના ઉમેદવાર વિનોદ ચાવડા સતત ત્રીજી વખત મેદાનમાં છે, જાગૃત લોકપ્રતિનિધિ તરીકે તેમણે ૧૦ વર્ષ દરમ્‍યાન કરેલા કાર્યો લોકો સામે છે. પોતાના મત ક્ષેત્રનો સાડા સાત લાખ કિલોમીટર પ્રવાસ કરનાર વિનોદ ચાવડાનું નામ પ્રદેશ મહામંત્રી તરીકે ખુદ નરેન્‍દ્રભાઈએ સૂચવ્‍યું હતું એવું કહેતા શ્રી પાટીલએ આ વખતે ૫ લાખથી પણ વધુ મત થી તેમને જીતાવવા કાર્યકરોને આહ્વાન કર્યું હતું. ઉમેદવાર વિનોદ ચાવડાએ કચ્‍છમાં ડેરી ઉદ્યોગ, કૃષિ, પ્રવાસન અને ઔધોગિક એમ ચારેય ક્ષેત્રે થયેલા વિકાસની વાત કરી એ વિકાસનો શ્રેય વડાપ્રધાન નરેન્‍દ્રભાઈની દીર્ઘ દ્રષ્ટિ ને આપ્‍યો હતો. એક નાના કાર્યકર તરીકે પોતાને ત્રીજી વાર લોકસભા બેઠક લડવા માટે મળેલી તક બદલ પક્ષ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી મતદારોનો વિશ્વાસ સાર્થક કરવાનો કોલ આપ્‍યો હતો.

આ સભામાં પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયા, કચ્‍છ ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મોરબી ભાજપ પ્રમુખ રણછોડ દલવાણીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ધારાસભ્‍યો વિરેન્‍દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમ્‍નસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે, ત્રિકમભાઈ આહીર, માલતીબેન મહેશ્વરી, કેશુભાઈ પટેલ, કાંતિ અમૃતિયા, સંગઠન પ્રભારી કશ્‍યપ શુક્‍લા, પંકજ મહેતા, દેવરાજ ગઢવી, કોમલ છેડા, દિલીપ દેશમુખ, ધવલ આચાર્ય, જિગર છેડા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. વ્‍યવસ્‍થા પ્રદેશ મીડિયા સેલના શૈલેષ પરમાર જિલ્લા મીડિયા સેલના સાત્‍વિકદાન ગઢવી, ચેતન કતિરા, સંજય મહેશ્વરી, કેતન ગોર, અનવર નોડે એ સાંભળી હતી. સંચાલન પંકજ ઝાલાએ કર્યું હતું. આ પૂર્વે ભુજના જાહેર માર્ગો ઉપર નીકળેલા જબરદસ્‍ત રોડ શો સાથે સમગ્ર ભુજમાં કેસરિયો માહોલ છવાયો હતો.

(12:04 pm IST)