Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

પરિવર્તનનો આરંભ કચ્‍છથી : ભુજમાં શક્‍તિસિંહ ગોહિલના ભાજપ ઉપર આકરા પ્રહારો

પરસોત્તમભાઇ રૂપાલાને આડે હાથ લીધા, કચ્‍છના અબડા અડભંગનો ઈતિહાસ વર્ણવ્‍યો, કોમી એકતાને મિશાલ ગણાવી, ભુજની પાણી સમસ્‍યા દરમ્‍યાન કોંગ્રેસે લોક સમસ્‍યાને આપેલી વાચાને બિરદાવી

(વિનોદ ગાલ દ્વારા) ભુજ, તા.૧૭: મોરબી કચ્‍છ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણની તરફેણમાં યોજાયેલ વિજય વિશ્વાસ સંમેલનમાં ભુજ આવેલ પ્રદેશ પ્રમુખ શક્‍તિસિંહ ગોહિલ એ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ઉમેદવાર નિતેશભાઈ માતંગ હોવાથી તેમની સાથેની તિલકની ક્ષત્રિય સમાજની પરંપરા, કચ્‍છના વીર અબડા અડભંગના શૌર્યનો ઈતિહાસ વર્ણવી પરસોત્તમ રૂપાલાને આડેહાથ લેતાં જણાવ્‍યું હતું કે, ભૂલ ની માફી મળે ગુનાની નહિં. આ સાથે જ શક્‍તિસિંહએ ભાજપએ કરેલ વાયદા પોકળ હોવાનું જણાવી કહ્યું હતું કે મોદી ગેરંટી બેંકમાં ૧૫ લાખ રૂપિયા જમા કરાવવા જેવી છે. માત્ર વાતો અને વાયદાઓ સાથે લોકોને ગુમરાહ કરાય છે. અત્‍યારે ગેસના ભાવ સહિત તમામ ખાદ્ય સામગ્રીના ભાવ ભડકે બળે છે, મોંઘવારી, ભ્રષ્ટાચાર બેરોજગારી ચરમ સીમાએ છે. ભાજપ અહંકારમાં છે ત્‍યારે હવે સત્તા પરિવર્તનની શરૂઆત કચ્‍છથી થશે. ભુજના પાણી પ્રશ્‍ને તેમણે કોંગ્રેસના પ્રવકતા ઘનશ્‍યામસિંહ ભાટી સહિતના આગેવાનો દ્વારા લોકસમસ્‍યાને અપાયેલ વાચા માટે બિરદાવ્‍યા હતા અને પીવા તેમ જ સિંચાઇના પાણી માટેના સરકારના દાવાઓ સામે સવાલો કર્યા હતા. શક્‍તિસિંહ ગોહિલે જો કોંગ્રેસ સત્તામાં આવે તો ગરીબ મહિલાઓને રૂપિયા એક લાખ આપી અને યુવા વર્ગને રોજગાર આપવાની ખાત્રી આપી હતી.  જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્‍દ્રસિંહ જાડેજા અને ઉમેદવાર નિતેશ લાલણ દ્વારા મોરબી કચ્‍છ ક્ષેત્રમાં પ્રવર્તતી સમસ્‍યાઓના ઉકેલમાં ભાજપ ની કામગીરી નિષ્‍ફળ ગણાવી હતી. પ્રભારી નુસરત પાંજા, પૂર્વ ધરસભ્‍ય ઇન્‍દ્રનીલ રાજગુરુ એ પણ ભાજપની કામગીરી અંગે તડાપીટ વરસાવી કોંગ્રેસને વિશ્વસનીય ગણાવી હતી. કાર્યક્રમ દરમ્‍યાન વારંવાર લાઈટ જતી હોઈ આ મુદ્દો પણ ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યો હતો અને સત્તા પક્ષ સામે આંગળી ચિંધાઈ હતી. કાર્યક્રમમાં આદમ ચાકી, નવલસિંહ જાડેજા, શૈલેન્‍દ્રસિંહ જાડેજા, ભચુભાઈ આરેઠિયા, મોરબી કોંગ્રેસ પ્રમુખ કિશોર ચિખલિયા, આપ પાર્ટીના ડો. નેહલ વૈદ્ય સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. સંચાલન રામદેવસિંહ જાડેજા, ચેતન જોશી, ઘનશ્‍યામસિંહ ભાટી, ગની કુંભારે જ્‍યારે આભારવિધિ કિશોરદાન ગઢવીએ કરી હતી. સભામાં પરસોત્તમ રૂપાલા સામે નો વિરોધ દેખાયો હતો, ક્ષત્રિય સમાજના આગેવાનોએ કાળા કપડાં પહેરી અને હાથમાં કાળી પટ્ટી રાખી હતી.

(11:22 am IST)