Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

મોરબીમાં યુદ્ધે ચડેલા આખલાએ મહિલાને અડફેટે લીધા : ગંભીર ઇજાઓ.

મંદિરે ચાલીને જતા મહિલા રખડતા ઢોરના ત્રાસના ભોગ બન્યા, કાન અને માથામાંથી લોહી નીકળતા આઇસીયુંમાં દાખલ : પાલિકા હવે જાગે તો સારું!

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. આજે યુદ્ધે ચડેલા ખુટિયાએ એક મહિલાને અડફેટે લેતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. હાલ મહિલા આઇસીયુમાં દાખલ હોય, પરિવાર ચિંતાતુર બન્યો છે.

   સિદ્ધરાજસિંહ ડોડીયાના જણાવ્યા મુજબ તેઓના કાકી રેખાબેન શૈલેશભાઇ ડોડીયા ઉ.વ. 50 આજે સાંજે 7 વાગ્યાના અરસામાં દરબાર ગઢ પાસેથી વાઘેશ્વરી માતાના મંદિરે ચાલીને જતા હતા. ત્યાં બે આખલા યુદ્ધે ચડ્યા હતા. ઓચિંતા એક આખલાએ તેઓને હડફેટે લેતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓના કાન અને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેઓને તુરંત આયુષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા આઇસીયુમાં હાલ સારવાર હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે મોરબીમાં રખડતા ઢોરનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. આ મામલે પાલિકા કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે. અત્યાર સુધીમાં અનેક લોકો રઝળતા ઢોરના કારણે ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે હવે પાલિકા જાગીને લોકોના જીવ ઉપરથી જોખમ દૂર કરે તેવું લોકો જણાવી રહ્યા છે.

(1:03 am IST)