Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

અમરેલી જીલ્લાના ઇતિહાસમાં પ્રથમ જ વાર ચોમાસા પછી પણ ૧૦માં થી ૭ ડેમ હજુ પણ ઓવરફલો થાય છે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૬ : માનવીઓની છેડછાડ અને ભુલોનો ભોગ બનતી અને રૂઠતી પ્રકૃતિ વર્ષો બાદ મહેરબાન બની છે. ઓકટોબર માસમાં અર્ધો પુરો થયો છે તયારે પણ અમરેલી જિલ્લામાં નદી નાળાઓ છલકાયેલા છે અમરેલી જિલ્લાના ૧૦માંથી ૭ ડેમ હજુ પણ ઓવરફલો થઇ રહયા છે  અને તેમના દરવાજાઓ ખુલ્લા છે જે ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત છે. અમરેલી જિલ્લાના  જળાશયો પૈકી વડી, મુંજીયાસર અને વડીયા ડેમમાં નવી આવક બંધ થઇ છે અને દરવાજા બંધ કરાયા છે. જયારે ગીર પંથકમાંથી ઝરણાઓ ફુટી ફુટીને વહી રહયા હોય જિલ્લાનો સૌથી મોટો ખોડીયાર ડેમ ર૪ વર્ષે પહેલી વખત ભરાયેલ ઠેબી, રાજુલાના સતત છલકાયેલા ઘાતરવડી ૧ અને ર ડેમ તથા ખાંભાના  સૌથી પહેલા ઓવરફલો થયેલા રાયડી અને કયારેક જ છલકાતા સેલદેદુમલ તથા સુરજવડીમાં પાણીની સતત આવકથી દરવાજા ખુલ્લા છે.

આવુ બહુ લાંબા સમયે જોવા મળી રહયું છે ત્યારે  લોકો વગર પૈસાએ કુદરતી જળના ધોધ નીહાળી તહેવારોમાં પ્રકૃતિ સાથે એકાકાર થશે.

તોરી ગામે આપઘાત

વડીયાના તોરી ગામે રહેતા નાથાભાઇ વાલજીભાઇ રાઠોડ (ઉ.વ.૭૦) છેલ્લા પ વર્ષથી  કેન્સરની બીમારીથી પીડાતા હોય, અને આ બીમારીથી પોતે કંટાળી જઇ પોતાના વાડીએ આવેલ ઓરડીમાં ઝેરી દવા પી જતાં મોત નીપજયાનું મગનભાઇ રાઠોડે વડિયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(12:53 pm IST)