Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

સાસણમાં મતદાન જાગૃતિ ઝુંબેશને અપાયો વેગ : જંગલોમાં પ્રવાસીઓને માહિતગાર કરતા ૧૫૦ ગાઈડને તા.૭ મેનાં મતદાન મથકે જઇ મતદાન કરવા અનુરોધ : જંગલ ખાતાના અધિકારીઓની વધુને વધુ મતદાન કરવાની અપીલ

સાસણનાં સિંહ સદન ખાતે મતદાન જાગૃતિના સેલ્ફી પોઇન્ટે જગાવ્યું આકર્ષણ: સાસણના ગીર સોવેનિયર શોપનાં બિલ ઉપર લાગે છે મતદાનના સિક્કા

જૂનાગઢ તા.૧૬
  સાવજોની નગરી સાસણમાં મતદાન જાગૃતિની ઝુંબેશને જિલ્લા ચટણી તંત્ર દ્વારા વેગ અપાયો છે. અહીંના સિંહ સદન ખાતે દેશ અને દુનિયાના લાખો પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવતા હોય છે ત્યારે આ મહત્વના ટુરિસ્ટ સ્પોટ ઉપર  મતદાન જાગૃતિના સેલ્ફી પોઇન્ટે આકર્ષણ જગાવ્યું છે. 
 
વન વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા પણ મતદાર  જાગૃતિની ઝુંબેશને વેગ આપવામાં ચૂંટણી તંત્રને સહકાર આપવામાં આવી રહ્યો છે. સિંહ સદન કેમ્પસમાં આધુનિક ઓડિટોરિયમમાં મતદાર  જાગૃતિનાં કાર્યક્રમોમાં આયોજન થાય છે.  એ.સી.એફ. કલ્પેશ ભાટિયા દ્વારા સેલ્ફી પોઇન્ટમાં સેલ્ફીના માધ્યમથી મતદાન જાગૃતિની અપીલ લોકોને કરવામાં આવી રહી છે, તો એજ્યુકેશન ઇન્સ્પેક્ટર જલ્પા કયાડા, સહાયક માહિતી નિયામક પારૂલ આડેસરા તથા માહિતી વિભાગની ટીમ દ્વારા પણ મતદાર જાગૃતિના સેલ્ફી પોઇન્ટ ખાતેથી મતદારોને મતદાન જાગૃતિની અપીલ કરવામાં આવી છે
 
સાસણના સિંહ સદન ખાતેના ગીર સોવેનિયર શોપનાં બિલ ઉપર મતદાન જાગૃતિ અંગેના સિક્કા લગાવીને લોકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. સિંહ સદનમાં ઊભો થયેલ મતદાન જાગૃતિનો માહોલ પ્રવાસીઓને મતદાન કરવા પ્રેરિત કરે છે.
 
તાજેતરમાં જિલ્લા ચૂંટણી અધિકારી -કલેક્ટર અનિલ રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવતે સાસણમાં ઉપસ્થિત રહીને પ્રવાસીઓને  સિંહ દર્શન કરાવતા અઢીસોથી વધુ જીપ્સી ડ્રાઇવરોની ગાડીમાં મતદાર જાગૃતિના સ્ટીકર લગાવવાનું મતદાન જાગૃતિની અભિયાન શરૂ કરાવ્યું હતું.
જંગલોમાં ફરતા પ્રવાસીઓને જંગલ વિશેની માહિતીથી વાકેફ કરતા ૧૫૦ થી વધુ ગાઈડને પણ મતદાન કરવાની અપીલ કરાઈ હતી.
(- પારૂલ આડેસરા-માહિતી ખાતુ - રાજકોટ)

 

(9:32 pm IST)