Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

‘પદ્મશ્રી' પુરસ્‍કાર લઇને આવનાર ડો. જગદીશ ત્રિવેદીનું સુરેન્‍દ્રનગરમાં ભવ્‍ય સ્‍વાગત કરાશે

૨૫મીએ સ્‍વાગતયાત્રાનું આયોજન : સૌને ઉપસ્‍થિત રહેવા આમંત્રણ

રાજકોટ તા. ૧૬ : ઝાલાવાડના પનોતા પુત્ર હાસ્‍યકલાકાર, લેખક, ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને તા. ૨૨-૪-૨૦૨૪ની સાંજે રાષ્‍ટ્રપતિ ભવન દિલ્‍ઞી ખાતે રાષ્‍ટ્રપતિના હસ્‍તે પદ્મશ્રી પુરસ્‍કાર મળશે.

તા. ૬-૩-૨૪ના રોજ સંગીત નાટક અકાદમીનો રાષ્‍ટ્રીય પુરસ્‍કાર પ્રાપ્‍ત કર્યા બાદ કોઇને માત્ર ૪૭ દિવસમાં રાષ્‍ટ્રપતિના હસ્‍તે બીજું રાષ્‍ટ્રીય સન્‍માન પ્રાપ્‍ત થતું હોય એવી આ વિરલ ઘટના છે. સમગ્ર ઝાલાવાડવાસીઓ આ માટે આનંદ, ગૌરવ અને ધન્‍યતા અનુભવે તે સ્‍વાભાવિક છે.

ડો. જગદીશ ત્રિવેદી પદ્મ પુરસ્‍કાર લઇને તા. ૨૫-૪-૨૦૨૪ ગુરૂવારની સાંજે પાંચ વાગ્‍યે સુરેન્‍દ્રનગર આવશે. એમના તમામ જ્ઞાતિના ચાહકો અને મિત્રોએ મળી પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી સન્‍માન સમિતિની રચના કરેલ છે. એમના સુરેન્‍દ્રનગર પ્રવેશને યાદગાર, ભવ્‍ય અને દિવ્‍ય બનાવવા માટે સમિતિ દ્વારા સ્‍વાગતયાત્રાનું સુંદર આયોજન કરેલ છે.

આ સ્‍વાગત યાત્રા તા. ૨૫ને ગુરૂવારે ઉપાસના સર્કલથી સાંજે ૫ વાગ્‍યે શરૂ થશે અને ઉપાસના સર્કલ - હેન્‍ડલૂમ ચોક, ટાંકી ચોક, જવાહર ચોક, બાબુ રાણપુરા ચોક, વાડીલાલ ચોક, અન્‍ડરબ્રીજ થઇને જીનતાન રોડ, કોંઢની વાડી પાસે થઇને જગદીશ ત્રિવેદી ચોકમાં યાત્રા વિરામ પામશે.

જગદીશ ત્રિવેદી ભેટ, સોગાદ, શાલ, ફૂલહાર કશું જ સ્‍વીકારતા નથી એ હવે સૌ કોઇ જાણે છે તેથી આ સ્‍નેહયાત્રામાં સૌના તરફથી માત્ર ઉપસ્‍થિતિ અને શુભકામના - આશીર્વાદ જ અપેક્ષિત છે. જેમાં વાહન લઇને જોડાઇ શકશો. આ યાત્રા સંપૂર્ણ બિન રાજકીય તેમજ સર્વ ધર્મ અને સર્વ જ્ઞાતિની છે.

સૌને જોડાવવા પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી સન્‍માન સમિતિ વતી ડો. પી.સી.શાહ, ડી.વી.શાહ - સીએ, વીરેન્‍દ્ર આચાર્ય - પૂર્વ પ્રમુખ નગરપાલિકા, ડો. રૂદ્રસિંહ ઝાલા - પ્રમુખ ક્ષત્રિય સમાજ, કે.સી.પરીખ - સીએ, ભવાનીસિંહ મોરી - સેવાકુટીર, દિલીપ પટેલ (પ્રમુખ લેવા પટેલ સમાજ, કાનજીભાઇ પટેલ - પ્રમુખ કડવા પટેલ સમાજ, મહેશ કાનાણી - દર્શન વિદ્યાલય, પ્રદીપ જાની - બિલ્‍ડર - બ્રહ્મ અગ્રણી, ડો. અશ્વિન ગઢવી, મુકેશ નિમાવત - આચાર્ય શિક્ષણવિદ, પુલિન ત્રિવેદી - યુવા ઉદ્યોગપતિ, ભરત દેવૈયા - શિક્ષક, સુરેશભાઇ જાદવ - મંત્રી લુહાર - સુથાર સમાજ, સંજયભાઇ સોની - પ્રમુખ સુ.નગર સોના-ચાંદી વેપારી એસો. સહિતનાએ આમંત્રણ પાઠવ્‍યું છે.

(12:04 pm IST)