Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સુરેન્દ્રનગર જિલ્લામાં પાક કાપણી અખતરા માટે ખેડૂતો અરજી કરે

સુરેન્દ્રનગર તા. ૧૫ : જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરની યાદીમાં જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ-૨૦૧૭-૧૮ ના રવિ ઋતુ માટે ગોઠવવાના થતા પાક કાપણી અખતરા માટે થાન સિવાયના તાલુકા માટે માનદ વેતનના ધોરણે પાક કાપણી અખતરાની કામગીરી કરાવવાની થાય છે. આ માટે પાક કાપણી અખતરાની કામગીરીથી સુપરિચિત અને અનુભવી એવા ખેતવાડી, બાગાયત, કૃષિ યુનિવર્સીટી, કે.વી.કે. ના નિવૃત તાંત્રિક મહેકમ તથા ખેતીવાડી/બાગાયત/બી.આર.એસ./કૃષિ ડીપ્લોમા કરેલ વ્યકિતઓ તથા કૃષિ યુનિવર્સીટીના ખેતીવાડી અને બાગાયતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા અન્ય સ્નાતક અને અનુસ્નાતકો (મેનપાવર) દ્વારા  કરાવવા માટે સરકાર દ્વારા ઠરાવેલ છે. જે માટે જણાવ્યા મુજબ ઈચ્છુક ઉમેદવારે તા.૨૦ સુધીમાં ઓફિસ કામકાજના દિવસો દરમિયાન જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરથી અરજી ફોર્મ મેળવી, અરજી ફોર્મ સાથે લાયકાત અને અનુભવના આધાર પુરાવા, આધારકાર્ડ/ચુંટણીકાર્ડની નકલ, બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ, કેન્સલ ચેક અથવા બેંકની પાસબુકની નકલ વિગેરે પુરાવા તા.૨૨ સુધીમાં રજુ કરવાના રહેશે.

આ કામગીરી માટે પ્રતિ સફળ અખતરા દીઠ રૂપિયા ૯૦૦ ઉચ્ચક માનદ્દ વેતન આપવામાં આવશે  ભારત સરકારની ઓનલાઈન એપ્લીકેશનમાં એનડ્રોઈડ બેઝડ સ્માર્ટ ફોન દ્વારા ડેટા એન્ટ્રી કરી સંપૂર્ણ ડેટા અપલોડ કરવાના રહેશે જેના માટે પ્રતિ સફળ અખતરા દીઠ એક વખત ડેટા યુસેજ પેટે રૂપિયા ૫૦ ચુકવવામાં આવશે. આ અંગે અરજી તથા અન્ય વિગત માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર કચેરી, અથવા ફોન નં.-(૦૨૭૫૨) ૨૮૫૯૦૨ ઉપર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવો.

(10:50 am IST)