Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

પોરબંદરમાં રેકડી-કેબીન ધારકો દ્વારા બંધ પાળીને ધરણા : નગરપાલિકા દ્વારા કનડગતનો વિરોધ

ચાઇનીઝ ખાણીપીણીની બજારમાં કેબીનો હટાવવા સામે હાઇકોર્ટનો સ્ટે છતાં દબાણ હટાવવા વારંવાર અપાતી નોટીસો અને નાના ધંધાર્થીઓને હટાવવા પ્રયાસો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧પ :  ચાઇનીઝ ખાણીપીણીની બજારમાં નગરપાલિકા દ્વારા નાના ધંધાર્થીઓને વારંવાર રેકડી-કેબીન હટાવવા નોટીસો આપીને રેકડી-કેબીનોનેે હટાવવા પ્રયાસો કરીને  હેરાનગતિ સામે રેંકડી-કેબીનધારકો એસોસિએશનના પ્રમુખ વિનુભાઇ બાદરશાહીની આગેવાની હેઠળ તેનો વિરોધ દર્શાવીને  રેકડી-કેબીન ધારકો સ્વૈચ્છિક બંધ પાળીને ધરણા ઉપર બેસી ગયેલ છે.

ચોપાટી પાસે ચાઇનીઝ ખાણીપીણીના ધંધાર્થીઓને નગરપાલિકા દ્વારા અગાઉ ઠરાવ કરીને જગ્યા ફાળવેલ છે. ઉપરાંત ભવિષ્યમાંં દુકાન બનાવી આપવાનું ઠરાવમાં જણાવેલ છે છતાં તેનો રોજીરોટીના બંધરણીય હકક ઉપર તરાપ મારીને ચાઇનીઝ બજારને નિશાન બનાવીને વારંવાર દબાણ હટાવવા નોટીસો અપાય છે.  આ સ્થળેથી રેંકડી-કેબીન હટાવવા માટે વારંવાર પ્રયાસો થાય છે. ચાઇનીઝ બજાર નજીક એક રાજકીય વ્યકિતએ જગ્યા ભાડે લીધેલી હોય અને સ્વાર્થ માટે ચાઇનીઝ બજારના ધંધાર્થીઓને હટાવવા પ્રયાસો થઇ રહ્યાની ચર્ચા થઇ રહી છે.

ચાઇનીઝ ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા રેંકડી કેબીન ધારકોએ આજે સ્વૈચ્છિક બંધ પાળીને ધરણા કરેલ છે. જેમાં શહેરના અન્ય રેંકડી-કેબીન ધારકો સ્વૈચ્છિક જોડાઇને ટેકો આપેલ છે. (૯.૪)

 

મોરબી નજીક ટ્રાવેલ્સના ધંધા મામલે માર મારી તોડફોડ કરી

મોરબી, તા.૧૫: મોરબીના કંડલા બાયપાસ નજીક ટ્રાવેલ્સના રૂટ મામલે ચાર અજાણ્યા ઇસમોએ ટ્રાવેલ્સ રોકી માર મારી બસનો કાચ તોડી નાખી ઝપાઝપી કરી હોવાની તેમજ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

મહેસાણાના વિસનગર તાલુકાના રહેવાસી ઈશ્વરજી ધુળાજી ઝાલાએ ફરિયાદ નોંધાવી છે કે સફેદ કલરની અલ્ટો કારમાં આવેલ ચાર ઈસમોએ આ રૂટ પર ટ્રાવેલ્સ નહિ ચલાવવા બાબતે ટ્રાવેલ્સને રોડ પર રોકી લાકડાના ધોકા વડે માર મારી ટ્રાવેલ્સનો આગળનો કાચ તોડી નાખી ઝપાઝપી કરતા ફરિયાદી પાસે રહેલ ભાડાના રૂપિયા ૧૦ હજાર અંધારામાં પાડી દીધા હતા અને ફરી વખત ટ્રાવેલ્સ લઇ ટંકારા મોરબી રૂટ પર આવશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય ઈસમો કારમાં નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે તાલુકા પોલીસે અજાણ્યા ચાર ઈસમો સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

ઉંચી માંડલ નજીક ફેકટરીના કોન્ટ્રાકટર સામે બાળમજુરીનો ગુન્હો

મોરબીના સરકારી શ્રમ અધિકારી એમ એમ હિરાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે કોન્ટ્રાકટર રાજેશ વાલાભાઈ પડહારીયા (ઉ.વ.૩૫) રહે સુરેન્દ્રનગર વાળા છેલ્લા બે વર્ષથી લેવીથ ગ્રેનીટો કારખાનામાં જોખમી વ્યવસાયની યાદીમાં આવતી સંસ્થામાં ૧૮ વર્ષથી ઓછી વયના તરુણ આશરે ૧૭ વર્ષ વાળાને કામ પર રાખ્યો હોય જેથી તાલુકા પોલીસે બાળ મજુરી અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

મહેન્દ્રનગર ગામની વાડીમાં ગળેફાંસો ખાઇ આપઘાત

મહેન્દ્રનગર ગમેવાડીમાં રહીને મજુરી કરતા સુરતભાઈ ભરતભાઈ તડવી નામના ૧૯ વર્ષના આદિવાસી યુવાને વાડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે બનાવને પગલે બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પીટલ ખસેડ્યો છે અને આપઘાતનું કારણ જાણવા વધુ તપાસચલાવી છે

માળીયા પોલીસે રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા ઝડપ્યો

માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હોનેસ્ટ ચેક પોસ્ટ નજીકથી પસાર થતી સીએનજી રીક્ષા જીજે ૨૪ ડબલ્યુ ૪૧૨૪ને રોકી તલાશી લેતા વિદેશી દારૂના ચપલા નંગ ૦૪ કીમત રૂ.૮૦૦ મળી આવતા પોલીસે સીએનજી રીક્ષા અને દારૂના ચપલા સહીત રૂ૫૦,૮૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી સુરેશ નાનજી ઠાકોર રહે બાદનપુરા રાધનપુર વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:58 pm IST)