Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

જૂનાગઢ માર્કેટ યાર્ડની કાલે ચૂંટણી શનિવારે મતગણતરી : ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૫: જૂનાગઢ માર્કેટ યાર્ડની કાલે ચૂંટણી યોજાનાર છે અને તા. ૧૭ ના  મતગણતરી હોઈ, જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પ્રતિષ્ઠાના જંગ સમાન આ માર્કેટ યાર્ડની ચૂંટણી માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

જૂનાગઢ માર્કેટ યાર્ડની ચૂંટણી માટે જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ૦૧ પીઆઇ, ૦૪ પીએસઆઇ, ૬૦ પોલીસ સ્ટાફ, જેમાં મહિલા પોલીસ તથા ટ્રાફિક પોલીસ સહિત, ૦૧ હથિયાર ધારી ગાર્ડ, સહિતનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. હથિયાર ધારી ગાર્ડ ચૂંટણીના આગલા દિવસથી માર્કેટ યાર્ડ ખાતે તૈનાત કરી, મતગણતરી સુધી રાખવામાં આવશે. આ ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ના થાય એ રીતે જિલ્લા રજીસ્ટાર શ્રી ખરાડી તથા સ્ટાફ સાથે સંકલન રાખી તેમજ માર્કેટ યાર્ડના શ્રી પી.એસ.ગજેરા તથા વહીવટી સ્ટાફ સાથે સંકલન રાખી, જડબેસલાક બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.યુ.સોલંકી, વી.આર.ચાવડા, હે.કો. માલદેભાઈ, ગિરિરાજસિંહ, વિક્રમસિંહ, વનરાજસિંહ, અનકભાઈ, સહિતની ટીમ દ્વારા આગોતરું આયોજન કરી, પેટ્રોલિંગ અને ચેકીંગ ચાલુ કરી દેવામાં આવેલ છે. ઉપરાંત, મતદાન કરવા આવતા લોકોને પણ અગવડતા ઉભી ના થાય એ માટે પણ ખાસ વ્યવસ્થા તેમજ મતદાન કરવા આવતા લોકોને હાલના કોરોના કાળના સમયમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ, માસ્ક પહેરવામાં આવે તેમજ સેનેટાઇઝર નો ઉપયોગ કરવામાં આવે એ માટે પણ વહીવટી તંત્ર સાથે સંકલન કરી, સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આમ, જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ માર્કેટ યાર્ડની ચૂંટણી તથા મતગણતરી બાબતે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

(12:57 pm IST)