Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

કલેકટર દ્વારા તૈયારીઓ-મીટીંગનો ધમધમાટ

ર૪મીએ ગિરનાર રોપ-વેનું દિલ્હીથી વડાપ્રધાન મોદીના હસ્તે ડીજીટલ લોકાર્પણઃ મુખ્યમંત્રી રૂપાણી જુનાગઢ આવશે

રૂ.૧૩૦ કરોડનાં પ્રોજેકટનું કામ આખરે પુર્ણઃ પ્રવાસીઓ વધશે અને જુનાગઢની આવકમાં પણ થશે વધારો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧પઃ રૂ. ૧૩૦ કરોડનો ગિરનાર રોપ-વે પ્રોજેકટનું કામ પુર્ણ થતા હવે તેના લોકાર્પણનો તખ્તો ગોઠવવામાં આવી રહયો છે. ર૪ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી ગિરનાર રોપ-વેનું ડિજીટલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી જુનાગઢ ખાતે ઉપસ્થિત રહેશે.

માત્ર સોરઠ જ નહી સમગ્ર ગુજરાત તેમજ પ્રવાસીઓના સોનેરી સ્વપ્ન સમાન ગિરનાર રોપ-વે સાકાર થયો છે. શરૂઆતમાં આ પ્રોજેકટનો ખર્ચ માત્ર રૂ. ૯ કરોડ અંદાજવામાં આવેલ. હાલ ગિરનાર રોપ-વેનો ખર્ચ ૧૩૦ કરોડે પહોંચી ગયો છે.

૨.૧૩ કિ.મી.નો લાંબો ગિરનાર રોપ-વે એશીયાનો સૌથી મોટો પ્રોજેકટ છે. આ રોપ-વેથી અંબાજી સુધી માત્ર આઠ જ મીનીટમાં પહોંચી શકાશે. આઠ ટ્રોલી મારફત એક કલાકમાં ૮૦૦ પ્રવાસીઓનું પરીવહન થશે.

ગિરનાર રોપ-વેને કારણે પ્રવાસીઓ તો જરુર વધશે જેની સાથે સાથે જુનાગઢની વાર્ષિક આવકમાં પણ વધારો થશે.

૮૦ કી.મી.ની ઝડપે ફુ઼ંકાતા પવનમાં પણ ચાલુ રહે તેવી ક્ષમતા ગિરનાર રોપ-વે ધરાવે છે. આ રોપ-વે માટે કુલ ૯ ટાવર ઉભા કરવામાં આવેલ છે. જેમાં પાંચ અને છ નંબરના ટાવર વચ્ચે ૧પ૦૦ ફુટની ઉંડાઇ પણ છે.

સમગ્ર રીતે રોમાંચકારી બની રહેનાર ગિરનાર રોપ-વે લોકોને સર્મપીત કરવા માટે તૈયારીઓ તંત્ર દ્વારા હાથ ધરી દેવામાં આવી છે.

અગાઉના જુનાગઢના આઝાદી દિન ૯ નવેમ્બરના રોજ ગિરનાર રોપ-વેના લોકાર્પણની વાત સામે આવી હતી. પરંતુ હવે આગામી ર૪ ઓકટોબર હવનાષ્ટમીના પાવન દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દિલ્હીથી જ ગિરનાર રોપ-વેનું ઇ-લોકાર્પણ કરશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહીતના મહાનુભાવો જુનાગઢ ખાતે ઉપસ્થિત રહેશે.

દરમ્યાન લોકાર્પણને લઇ તંત્ર દ્વારા વિવિધ ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.

કલેકટર ડો. સૌરભ પારધીએ સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે વડાપ્રધાન  શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપ-વેના ઇ-લોકાર્પણ માટે તખ્તો ગોઠવાઇ રહયો છે અને આ માટેની તૈયારીઓને લઇ આજે અધિકારીઓની એક મહત્વની મીટીંગ રાખવામાં આવી છે.

વડાપ્રધાનશ્રીનાં હસ્તે લોકાર્પણ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અત્રે ઉપસ્થિતિ સહીતની બાબતો અને સતાવાર કાર્યક્રમ આજકાલમાં નિશ્ચિત થઇ જશે તેમ કલેકટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું.

(12:54 pm IST)