Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઇ મુંજપરાએ ૯ કમાન્ડો અને સરકારી કાર લેવાનો ઇન્કાર કર્યો

સુરેન્દ્રનગરમાં સાંસદ બન્યા પછી પણ સ્કુટરમાં જ ફરતા : સાદગીના ફરી વખત દર્શન

વઢવાણ, તા. ૧પ :  સુરેન્દ્રનગરના  લોકસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રીને પોતાની સુરક્ષા માટે મળતા નવ કમાન્ડો અને વધારાની કારની સેવા લેવાનો ઇન્કાર કરી પરત કરી સુરેન્દ્રનગરની જેમ દિલ્હીમાં પણ પોતાની સાદગીનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સ્પષ્ટ અને સ્વચ્છ છબી ધરાવતા ડોકટર મહેન્દ્રભાઇ મુંજપરાને લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત જ ટિકિટ આપતા લાખો મતે ભાજપમાંથી વિજેતા થયા હતા. તેઓ સાંસદ બન્યા હોવા છતાય શહેરમાં સ્કુટર લઇને ફરતા હોય ત્યારે કોઇપણ વ્યકિત બજારમાં મળી જાય અને ઉભા રાખે અને કામ બતાવે તો ડેકીમાંથી ડાયરી કાઢી લખી લે અને ભલામણ કરવાની હોય તો પણ સીધી જ ભલામણ કરતા આવ્યા છે આમ જિલ્લાભરના રાજકારણીઓમાં સાંસદની સાદગી વાળી છબી રહેલી છે. એવામાં કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણમાં તેઓને મહિલા-બાળ વિકાસ વિભાગના રાજય કક્ષાના મંત્રી તરીકે સમાવેશ કરાતા તેઓને અલગ કાર્યાલય નિવાસ સ્થાન સહિતની સુવિધાઓ ફાળવાઇ છે. બીજી તરફ સરકારી પ્રોટોકોલ મુજબ તેઓને પોતાની સુરક્ષા માટે નવ કમાન્ડોરની ફાળવણી કરવાની હતી અને સરકારી કાર પરંતુ તેઓએ પોતાને કોઇ જોખમ ન હોવાનું જણાવી કમાન્ડોની સેવા અને એક કારની સેવા લેવાનો ઇન્કાર કરી સુરેન્દ્રનગરની જેમ દિલ્હીમાં પણ પોતાની સાદગીનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા તંત્ર, રાજકીય નેતાઓ અને સુરેન્દ્રનગર મત વિસ્તારના લોકોએ આનંદ સાથે ગર્વ મહેસુસ કર્યો છે.

(12:55 pm IST)