Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કર્મનિષ્ઠ મહિલા કર્મયોગીઓ..

કોરોના પિતાને ભરખી ગયો! છતા ફરજને અગ્રીમતા આપી ભાવિકાબેન ફરજ બજાવે છે

આવા મહામારીના સમયે હું એક આરોગ્ય કર્મી તરીકે ઘરે કેવી રીતે બેસી શકુ? કારીબેન ગોજીયા (સગર્ભા મહિલા હેલ્થ વર્કર)

'' કોરોના'' ત્રણ અક્ષરના આ શબ્દએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે, ગુજરાતમાં કોરોનાની કહેરથી લોકોને રક્ષવા અને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર કટીબધ્ધ બની કાર્ય કરી રહી છે. કોરોના સામેની આ જંગમાં રાજ્ય સરકારની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફ્રન્ટલાઈન વોરીયર્સ એવા આરોગ્ય કર્મીઓ આવી મુશ્કેલ ઘડીમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યાં છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલાકર્મીઓ પણ ખભે-ખભો મિલાવી કોરોના વાયરસ કોવિડ – ૧૯ના સંક્રમણને નાથવા અને ગુજરાતને કોરોના મુકત બનાવવા સતત નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યાં છે.

 આવા જ એક મહિલા કર્મયોગી છે કારીબેને ગોજીયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોવાણ પી.એચ.સી.ના શકિતનગર – ૧ સબ સેન્ટરમાં મહિલા હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા કારીબેન સગર્ભા છે, તેમના પતિ કરશનભાઈ ચાવડા આઈ.સી.ડી.એસ.વિભાગમાં ફરજ બજાવે છે. પતિ-પતિ બંને સર્વિસ કરી રહ્યાં છે એવામાં સ્વભાવિક છે કે તેઓને ઘર કામને લઈને અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હશે. પરંતુ કારીબેન આવી પરિસ્થિતિમાં પણ મેટરનીટી લીવ ન મુકતા તેમની ફરજને અગ્રીમતા આપી કોરોના સામેની આ જંગમાં આરોગ્યકર્મી તરીકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યાં છે.

કારીબેનના શબ્દોમાં કહીએ તો  આરોગ્ય કર્મી તરીકે લોકોને સમયસર આરોગ્યની સુવિધાઓ મળી રહે અને કોરોના વાયરસ કોવિડ – ૧૯ના સંક્રમણને ફેલાતું અટકાવવા તમામ રસીકરણનો લાભ લઈ વેકિશન લે તે અમારી જવાબદારી છે, એવામાં આવા મહામારીના સમયે હું એક આરોગ્ય કર્મી તરીકે ઘરે કેવી રીતે બેસી શકુ ? અમે પતિ-પત્ની બંને સર્વિસ કરીએ છીએ માટે ફરજ પર જતા પહેલા ઘર કામને લઈને ચિંતા થાય છે, પરંતુ ''જનસેવા એ જ  પ્રભુ સેવા''ના સુત્રને સાચા અર્થમાં સાકાર કરતી આ ફરજના કાર્યને યાદ કરતા જ અનેરા આનંદ અને સંતોષની લાગણી અનુભવાય છે.

આવા સંકટના સમયે પણ ફરજને અગ્રીમતા આપી ફરજ બજાવતા બીજા મહિલા કર્મયોગી છે, ભાવિકાબેન મકવાણા...વ઼ડત્રા પી.એચ.સી. ખાતે આર.બી.એસ.કે.મહિલા હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા ભાવિકાબેન લોકોનું આરોગ્ય સારૂ જળવાઈ રહે અને કોરોના વાયરસના સંક્રમણને ફેતાલું અટકાવી શકાય તે માટે કોરોનાકાળમાં પણ સતત નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યાં છે. પરંતુ આવા સમય દરમિયાન કોરોના તેમના પિતાને જ ભરખી ગયો અને માત્ર ૨૩ વર્ષની ઉંમરે જ માતા અને નાના ભાઈના ભરણપોષણની જવાબદારી ભાવિકાબેનના ખભે આવી...

 કોરોના મહામારીની વિપરીત પરિસ્થિતિમાં પિતા ગુમાવ્યા છતાં પોતાની ફરજને અગ્રીમતા આપી ભાવિકાબેને ટુંક સમયમાં જ ફરજ પર પરત ફરી તેમનામાં રહેલી ઋજૂતાના દર્શન કરાવ્યા છે. તેઓ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાની કામગીરીના ભાગરૂપે રસીકરણ અને રસીકરણ અંગેની તપાસ તથા ધન્વંતરી રથમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યાં છે.

 ભાવિકાબેનના તેમની ફરજને અગ્રીમતા આપી જનસેવા અર્થે ટુંકા સમયમાં જ ફરજ પર પરત ફરવાના આ કાર્યએ તેમનામાં રહેલી ફરજ પ્રત્યેની નિષ્ઠા અને લોકો પ્રત્યેની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે.

 કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય - કેન્દ્ર સરકાર અને તેમના કર્મયોગીઓ સતત કર્તવ્યરત રહીને આપણા માટે જ કાર્ય કરી રહયા છે, ત્યારે આપણી પણ એક જવાબદાર નાગરીક તરીકેની ફરજ બને છે કે, આપણે પણ સરકારના રસીકરણ મહા અભિયાન અન્વયે વેકિશન લઈએ અને અન્યોને પણ વેકિશન લેવા માટે પ્રેરીત કરીએ તથા કોરોનાના કહેર વચ્ચે આપણા માટે કાર્યરત કર્મનિષ્ઠ કર્મયોગીઓને બીરદાવીએ.

સંકલન - સંજયસિંહ ચાવડા માહીતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા

(12:50 pm IST)