Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

રવિવારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે 'બાલ્યાવસ્થાની લીલાભૂમિ' રાજકોટમાં

'રઢિયાળી રાત' (પ્રાચીન લોકગીતો)ના ઓન-લાઇન સ્વરાંજલિ કાર્યક્રમનું સાંજે ૫ કલાકથી ઇન્ટરનેટ www.eevents.tv/meghani પર જીવંત પ્રસારણ થશે : લોકકલાકારો અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા, રાધાબેન વ્યાસ, નીલેશ પંડયા અને પંકજ ભટ્ટ ઝવેરચંદ મેઘાણી સંશોધિત - સંપાદિત પ્રાચીન લોકગીતોની રમઝટ બોલાવશે : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા પ્રેરક આયોજન : રાજકોટ જિલ્લા પુસ્તકાલય ખાતે સવારે ૧૧ કલાકે 'મેઘાણી-સાહિત્ય' કોર્નરનું લોકાર્પણ કરવામાં આવશે

રાજકોટ તા. ૧૫ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ નિમિત્ત્।ે — એમની બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ ખાતે — રઢિયાળી રાત (પ્રાચીન લોકગીતો)ના ઓન-લાઈન સ્વરાંજલિ કાર્યક્ર્મનું ૧૮ જુલાઈ ૨૦૨૧ને રવિવારે — સાંજે ૫ કલાકથી ઈન્ટરનેટ www.eevents.tv/meghani પર જીવંત પ્રસારણ થશે. ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ, રાષ્ટ્રીયશાળા, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.   

ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યા ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતોની રમઝટ બોલાવશે. જાણીતા સંગીતકાર અને ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન છે. ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારૃં દાતરડું, સોના વાટકડી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, કાન તારી મોરલી, ઝૂલણ મોરલી, મને કેર કાંટો વાગ્યો, જોબનિયું આજ આવ્યું, છલકાતું આવે બેડલું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો, શેરી વળાવી સજ કરું, ઊભી ઊભી ઊગમણે દરબાર, આવી રૂડી અંજવાળી રાત, માડી બાર બાર વરસે આવિયો, ગામમાં સાસરું ને ગામમાં પીલૃરિયું, બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, ના છડિયાં હથિયાર જેવાં સદાબહાર લોકગીતો રજૂ થશે. લોકલાગણીને માન આપીને કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા જેવાં ઝવેરચંદ મેઘાણી સ્વરચિત લોકપ્રિય ગીતો પણ ખાસ આસ્વાદરૂપે રજૂ થશે.  

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા રાજકોટ જિલ્લા પુસ્તકાલય (માલવિયા ચોક પાસે) ખાતે સવારે ૧૧ કલાકે મેઘાણી સાહિત્ય કોર્નરનું લોકાર્પણ કરવામાં આવશે. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય અને સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત–પ્રેરિત થાય તે હેતુથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લિખિત કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન તેમજ સંશોધિત-સંપાદિત લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવાં વિવિધ વિષયોનાં ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તકો ૬*૩*૧ ફૂટનાં કલાત્મક કાચનાં કબાટમાં રખાયાં છે.        

લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણાં નથી પણ લોક-આત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય-કૃતિઓ છે. લોકગીતો જનતાના આત્માનાં સૌંદર્ય-ઝરણાં છે તેમ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લાગણીભેર કહેતા. ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્ય પર વિશિષ્ટ અને ગહન સંશોધન કરેલુ. ધૂળધોયાનું ભગીરથ કાર્ય કરેલું. લોકગીતોનો જયારે લગભગ નાશ થઈ ચૂકયો હતો તે વેળા એની શોધમાં નીકળેલા ઝવેરચંદ મેઘાણીએ ગામડાં ખૂંદ્યાં. અહીંતહીં છિન્નભિન્ન સ્વરૂપે ગીતો મળ્યાં તેના વેરણછેરણ ટુકડાઓના સાંધા જોડવા પ્રયાસ કર્યો. તેનું શુધ્ધ ગેય સ્વરૂપ મેળવ્યું. તેની અંદર જે કાવ્યતત્વ અસલ પડ્યું હોવું જોઈએ તે તપાસવા પોતાની કવિતાની સમજ, તર્કશકિત, કલ્પના અને છેલ્લે, પોતાની ચાતુરી પણ વાપરી. એ પછી બંધાયેલું જે અખંડિત સ્વરૂપ લાધ્યું તેને પોતાનાં સંગ્રહ રઢિયાળી રાતમાં મૂકયું. ૪૫૦થી વધુ પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાનાં સંગ્રહ રઢિયાળી રાતનો પહેલો ભાગ ૧૯૨૫માં અને ચોથો ભાગ ૧૯૪૨માં પ્રગટ થયો હતો. લોકસાહિત્યના મૌલિક અને વિશિષ્ટ સંશોધન બદલ ઝવેરચંદ મેઘાણીને ૧૯૨૮નો પહેલવહેલો રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. મહાત્મા ગાંધી અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર પણ ઝવેરચંદ મેઘાણી પાસેથી લોકગીતો સાંભળીને અતિ પ્રસન્ન થયા હતા.

આલેખન : પિનાકી નાનકભાઇ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(10:16 am IST)