Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

એકતા, ભાઇચારો અને સહિષ્ણુતાના ભાવ સાથે દેશને ઉન્નતિની નવી ઉંચાઇ પર લઇ જવા સમર્પિત થઇએ:રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

જૂનાગઢમાં ૭૫ સ્વાતંત્ર્યતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ઉપલક્ષમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં એટહોમ કાર્યક્રમ યોજાયો:ભારતને વિશ્વસ્તરે પ્રગતિના પંથે લઇ જવાના વડાપ્રધાન નરેન્દભાઇ મોદીના અભિયાનમાં સહભાગી થઇએ: જૂનાગઢનો આરઝી હકૂમતનો સંગ્રામ નવી પેઢીને પ્રેરણા આપે છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

અમદાવાદ :ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ૭૫માં સ્વાતં પર્વે દેશની આઝાદી માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા શહિદવીરોને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા અને સ્વાતંત્ર્ય પર્વની સૌ નાગરિકોને શુભકામના પાઠવી હતી.

રાજ્યપાલએ ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યા પર જૂનાગઢ ખાતે યોજાયેલા એટ હોમ કાર્યક્રમમાં રાજ્યના સૈા નાગરિકોને આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે શુભકામનાઓ પાઠવી જણાવ્યુ હતુ કે, સ્વાતંત્ર્ય પર્વ શહીદ સ્વાતંત્ર્ય વીરો-ક્રાંતિવીરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પર્વ છે. તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતની ધરતી એ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા મહાન નાયકોને જન્મ આપ્યો છે. એટલું જ નહીં મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવા મહાન સમાજ સુધારકોને જન્મ આપ્યો છે. ત્યારે આઝાદીના ૭૫માં વર્ષે સૌ નાગરિકો દેશની એકતા-અખંડતા, બંધુતા, સહિષ્ણુતાને મજબૂત કરવા સંકલ્પ લે. તેમણે જણાવ્યુ હતુ કે, દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ભારત દેશે વિભાજનની કરૂણાંતિકાને અનુભવી હતી. જેનુ પુનરાવર્તન થાય નહીં તે માટે આપણે સંકલ્પબદ્ધ થવાનુ છે.
રાજ્યપાલએ જૂનાગઢ અને સોરઠ પ્રદેશના આરઝી હકૂમતના જંગને યાદ કરી જણાવ્યુ હતુ કે, જૂનાગઢની જનશક્તિએ જંગ છેડીને જૂનાગઢના પાકિસ્તાન સાથેના જોડાણને નામંજૂર કરી જૂનાગઢને  ભારત સાથે જોડ્યુ હતું. તેમણે આરઝી હકુમતના લોક સેનાનીઓને યાદ કરીને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા.
રાજ્યપાલએ શહીદોના અને મહાન દેશનાયકોના સપનાના ભારતનું નિર્માણ કરવા સૌ નાગરિકોને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.          
તેમણે જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫મા વર્ષે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. તે પ્રસંગે સૌ નાગરીકો સંકલ્પબદ્ધ બને અને દેશની એકતા, અખંડિતતા, સહિષ્ણુતા અને ભાઈચારાની ભાવનાને સુદ્રઢ કરવા, સ્ત્રીભ્રૂણ હત્યાને અટકાવવા અને નશાના તેમજ દહેજના દૂષણથી મુક્તિ મેળવવા સંકલ્પબદ્ધ બનીએ તેમણે કોરોના મહામારીના સંકટનો સામનો કરવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે કોરોના વોરિયર્સ સહિત જનશક્તિના સહયોગથી જે પ્રતિબદ્ધતા દાખવી તે ઉદાહરણરૂપ ગણાવી હતી.         
 આ વર્ષે સમગ્ર દેશ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આઝાદીના અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વમાં જનશક્તિના સહયોગથી ગુજરાત વિકાસની નવી ઊંચાઈ હાંસલ કરે તેવી કામના પણ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી સૌને ૭૫માં સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી હતી.
રાજ્યપાલએ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતિમાં ૨ લાખ ખેડૂતો જોડાયા છે તેમ જણાવીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે તેમ વધુમાં ઉમેર્યુ હતુ.          
જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે સભાગૃહમાં યોજાયેલા ગરીમા પૂર્ણ એટહોમ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વયં ગણ માન્ય પ્રબુદ્ધ નાગરિકો પાસે જઇ ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની સૌને શુભકામના પાઠવી હતી.          
આ પ્રસંગે કલાકાર વૃંદે દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. પ્રોટોકોલ સાથે રાષ્ટ્રગાનમાં સૌ સહભાગી થયા હતા.           
સંપૂર્ણ કોરોના પ્રોટોકોલ સાથે યોજાયેલા આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, શ્રીમતિ અંજલીબેન રૂપાણી, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મેયર ધીરૂભાઇ ગોહેલ તેમજ સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, સ્વાતંત્ર્ય સેનાનીઓ, પદાધિકારીઓ, વરીષ્ઠ અધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ , પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 

 

(7:43 pm IST)