Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

સૌરાષ્ટ્રમાં ખેડૂતોમાં ચિંતાની લાગણી : લાંબા સમયથી વરસાદે રાહ જોવરાડાવતાં ખેતરમાં પાક સુકાઇ રહ્યો છે

મગફળી, સોયાબીન અને કપાસનું વાવેતર કર્યા બાદ મેઘરાજા રીસાતા જગતનો તાત ચિંતાતુર

અમદાવાદ :ગુજરાતમાં આ વર્ષે ચોમાસાએ ભારે કરી છે એક વાર વરસીને વરસાદ ગયો તે ગયો. વરસાદ વિના ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્રના ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય છે. મગફળી, સોયાબીન અને કપાસનું વાવેતર તો કરી દીધું. પણ હવે વરસાદ ખેંચાયો છે અને ડેમ પણ તળિયા ઝાટક થઈ રહ્યા છે. ખેડૂતોની ચિંતા બંને તરફથી વધી છે.

વરસાદની રાહ જોઈને ખેડૂતો થાક્યા છે. ખેતરમાં પાક સુકાઈ રહ્યો છે. મગફળી, સોયાબીન અને કપાસનું ખેડૂતોએ વાવેતર તો કર્યું. પણ હવે વરસાદ નહીં આવવાને કારણે પાક સુકાઈ રહ્યો છે. તેમાં પણ મગફળી પકવતા ખેડૂતોની દશા તો ખૂબ જ દયનીય છે.

ગત વર્ષની સરખામણીએ મગફળીનું વાવેતર ઓછું થયું છે. ખેતી માટે મુખ્ય સ્ત્રોત પાણી છે. તેમાં પણ ગુજરાતના મોટાભાગના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરી છે. પણ હવે વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. જો થોડા દિવસમાં વરસાદ નહીં આવે તો મગફળીના ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો થશે. ગત વર્ષે 28થી 30 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું જે આ વર્ષે વરસાદની ઘટને કારણે માત્ર 16થી 17 લાખ ટન જ થશે.

પાણી અને પાકના ઉત્પાદન માટે જોઈતા પાણીના ડેટાના અનવેક્ષણ મુજબ એક કિલો તેલીબીયાના ઉત્પાદન માટે 2,364 લીટર પાણીની જરૂરિયાત છે. તેવી જ રીતે ફળ અને શાકભાઈમાં પણ હજારો લીટર પાણીની જરૂરિયાત છે, પરંતુ વરસાદ ખેંચાતા જમીનના તળ પણ ઉંડા ગયા છે. જો વરસાદ નહીં આવે તો ખેડૂતોને ડેમમાંથી સિંચાઈના પાણીની જરૂર પડશે. જો સિંચાઈ માટે કેનાલથી પાણી નહીં મળે તો ખેડૂતોની સ્થિતિ કફોડી બનશે.

(7:21 pm IST)