Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે સ્વાતંત્ર્ય પર્વની ભવ્યતાથી ઉજવણી

ધ્વજવંદન, પ્રભાતફેરી, દેશભકિત ગીતોનું ગાન, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

રાજકોટ, તા. ૧૪ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. ધ્વજવંદન, પ્રભાતફેરી, દેશભકિત ગીતોનું ગાન, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ આગામી તા. ૧૫ ઓગષ્ટના રોજ દેશના સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણીનું આયોજન કરાયુ હોય ત્યારે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૫મી ઓગષ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પૂર્વ સંધ્યાએ તા. ૧૪ ઓગષ્ટના રોજ સાંજે ૬ કલાકે મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જે કાર્યક્રમો નિહાળવા મોરબીની જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યુ છે.

સુરેન્દ્રનગર

વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની સુરેન્દ્રનગર સ્થિત જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે કૃષિ, પંચાયત અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમારના હસ્તે સવારે ૯.૦૦ કલાકે ધ્વજવંદન કરવામાં આવશે.

નોંધનીય છે કે, આ સ્વતંત્રતા દિનના કાર્યક્રમમાં કોરોના મહામારીમાં યોગદાન આપેલ હોય તેવા કોરોના વોરીયર્સનું તેમજ પોલીસ વિભાગના અધિકારી, કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના અંતે રાજ્યમંત્રી તથા અન્ય મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ અમરેલી વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ એટલે કે ૧૪ ઓગષ્ટના શનિવારે સાંજે ૫.૩૦ કલાકે દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ અમરેલી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં સહકાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ સ્વતંત્ર હવાલો વાહન વ્યવહાર જેવા વિભાગોના રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.

દેશભકિતના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ જૂનાગઢ ખાતેના રાજ્યકક્ષાના પૂર્વ સંધ્યા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, નગરપાલિકા, પંચાયતના હોદેદારો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ અને પ્રબુદ્ધ નાગરીકો ઉપસ્થિત રહેશે.

(11:41 am IST)