Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

કચ્છના લાકડીયા ગામે પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો : પોલીસે ૬ રાઉન્ડ ટીયરગેસ છોડી ટોળાને વિખેર્યુ : ૨ પોલીસ કર્મીને ઇજા

પૂર્વ કચ્છ એસપી સહિતનો કાફલો ધસી ગયો : ૧૪૪મી કલમ લાગુ : શિક્ષક અને પો.કોન્સ્ટેબલ વચ્ચે બોલાચાલી બાદ ફરિયાદના મુદ્દે મામલો બિચકયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૪ : કચ્છના ભચાઉ તા.ના લાકડીયા ગામે શિક્ષક ઈશ્વર શંભુભાઇ વાણિયા અને કોન્સ્ટેબલ અશોક જોરાભાઈ ચૌધરી વચ્ચે થયેલ માથાકૂટ અને પોલીસ ફરિયાદના મુદ્દે આ વિવાદ થયો હતો. જેને પગલે સો જેટલા લોકોના ટોળાએ પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કર્યો હતો.

જોકે, પોલીસે પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આ સમગ્ર બનાવના મૂળમાં ગત રવિવારે રાત્રે લાકડીયાના દલિત શિક્ષક ઈશ્વરભાઈ વાણિયા અને લાકડીયા પોલીસ મથકના કોન્સ્ટેબલ અશોક જોરાભાઈ ચૌધરી વચ્ચે થયેલી બબાલ કારણભૂત છે. રવિવારે રાત્રે વોકિંગમાં નીકળેલાં ઈશ્વરભાઈએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરી હતી કે કોન્સ્ટેબલ અશોકે તેમને રસ્તામાં અટકાવી 'તારા વાસમાં જ વોકિંગ કરવાનું આ બાજુ ફરી નીકળતો નહીં' તેવી ધમકી આપી લાફો મારી મુઢ માર માર્યો હતો.

આ અંગે તેઓ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પીએસઆઈ અને પીએસઓની હાજરીમાં પીધેલો કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનમાંથી નાસી છૂટ્યો હતો. પીએસઆઈ અને પીએસઓએ તેને છાવરવાના હેતુથી આ બનાવના સીસીટીવી ફૂટેજ ડિલીટ કરી દેવાની ચર્ચા કરી રહ્યાં હોવાનો આરોપ કરી વાણિયાએ બનાવ અંગે કડક પગલાં લેવા રજૂઆત કરી હતી.

શિક્ષકની ફરિયાદ સામે કોન્સ્ટેબલ અશોક ચૌધરીએ શિક્ષક સહિત તેના સાગરીતોએ પોતાને પણ માર માર્યો હોવાનું જણાવી પૂરાવારૂપે સીસીટીવી ફૂટેજ રજૂ કર્યાં હતા. જે અંગે લાકડીયા પોલીસ મથકે અશોક ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી.

અશોક ચૌધરીની ફરિયાદ સંદર્ભે ગઇકાલે પોલીસે અમુક આરોપીઓની અટકાયત કરતાં તેના બચાવમાં પોલીસ મથકે ધસી આવેલા એકસો જેટલા લોકોના ટોળાએ ઉશ્કેરાઇને પથ્થરમારો કર્યો હતો. જોકે, પોલીસે ટીયરગેસના ૬ રાઉન્ડ છોડીને ટોળાને વિખેરી નાખ્યું હતું. દરમિયાન બે પોલીસ કર્મીઓને હળવી ઈજાઓ થઈ હતી.

બનાવને પગલે પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલ લાકડીયા ધસી આવ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરીને સસ્પેન્ડ કરી દેવાયો છે. લાકડીયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને ૧૪૪ મી કલમ લગાવી દેવાઈ છે. દરમિયાન બન્ને પક્ષે જૂની ફરિયાદોનું મનદુઃખ હોવાની પણ ચર્ચા છે.

(11:47 am IST)