Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

પડધરીના વણપરીની અપહૃત બાળાને મોરબીમાંથી છોડાવતી પોલીસઃ મહારાષ્ટ્રીયન મહિલાની ધરપકડ

ભરવાડ બાળાનું કયા કારણોસર અપહરણ કર્યુ ? તે અંગે પકડાયેલ કાજલ શર્માની પૂછતાછઃ પકડાયેલ કાજલે આહિર યુવક સાથે લગ્ન કર્યા છેઃ પડધરીના પ્રોબેશ્નર પી.એસ.આઈ. એમ.જે. પરમાર તથા સ્ટાફની પ્રસંસનીય કામગીરી

પડધરી-રાજકોટ, તા. ૧૩ :. પડધરીના વણપરી ગામેથી બે દિ' પહેલા ઉઠાવી જવાયેલ ભરવાડ બાળાને પોલીસે મોરબીમાંથી મુકત કરાવી હતી અને એક મહારાષ્ટ્રીયન મહિલાની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના વણપરી ગામે ગત તા. ૧૧ના રોજ ૧૦ વાગ્યે ૧૨ વર્ષીય ભરવાડ બાળાને લલચાવી-ફોસલાવી ઉઠાવી જવાયાની પડધરી પોલીસમાં ફરીયાદ થતા રૂરલ એસ.પી. અંતરીપ સુદ, ડીવાયએસપી ડી.એમ. ચૌહાણ, એલસીબીના પી.આઈ. એમ.એન. રાણા તથા પી.એસ.આઈ. પટેલના માર્ગદર્શન હેઠળ પડધરીના પ્રોબેશ્નર પી.એસ.આઈ. એમ.જે. પરમાર, સ્ટાફના રાજુભાઈ ગઢવી, મમતાબેન ચૌહાણ, યુવરાજસિંહ ગોહિલ તથા અનુભા જાડેજા સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

દરમિયાન અપહૃત બાળા મોરબીમાં હોવાની બાતમી મળતા પી.એસ.આઈ. એમ.જે. પરમાર તથા સ્ટાફે મોરબીમાં છાપો મારી અપહૃત બાળાને છોડાવી હતી અને આ ભરવાડ બાળાને ઉઠાવી જનાર કાજલબેન વિજય શર્મા રહે. જલગાંવ (મહારાષ્ટ્ર)ને દબોચી લીધી હતી.

પોલીસ તપાસમાં બાળાને ઉઠાવી જનાર મહારાષ્ટ્રીયન કાજલ શર્માએ એક આહિર યુવક સાથે સીવીલ મેરેજ કર્યા હતા અને છેલ્લા એક માસથી પડધરીમાં રહેતી હતી. આ મહારાષ્ટ્રીયન મહિલાએ ભરવાડ બાળાનું કયા કારણોસર અપહરણ કર્યુ હતુ તે અંગે તેની સઘન પૂછપરછ હાથ ધરાય છે.

બીજી બાજુ ૨૪ કલાકમાં જ અપહૃત બાળાને છોડાવનાર પડધરીના પી.એસ.આઈ. એમ.જે. પરમાર તથા ટીમની પ્રસંસનીય કામગીરીની લોકોમાં સરાહના થઈ રહી છે.

(11:52 am IST)