Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની ઉમેદવારો જાહેર કરવામાં ‘પહેલે આપ, પહેલે આપ' જેવી સ્‍થિતિ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપે 8 માંથી 7 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે. તો કોંગ્રેસે 5 બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આવામાં બંને પક્ષોએ લીંબડી બેઠક માટે હજી કોઈ પણ ઉમેદવારની જાહેરાત કરી નથી. બંને પક્ષો  માટે આ બેઠક પર કોકડુ ગૂંચવાયેલું છે. લીંબડી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ-ભાજપની મૂંઝવણ વધી છે. બંને રાજકીય પાર્ટીઓ ક્ષત્રિય-કોળી પટેલના રાજકીય ગણિતમાં અટવાઈ છે. બંને રાજકીય પાર્ટી કોને ટિકિટ આપવી એને લઇ મોટી મૂંઝવણમાં છે. ભાજપ ઉમેદવારની જાહેરાત બાદ કોંગ્રેસ જ્ઞાતિ સમીકરણ મુજબ નામ જાહેર કરશે. ભાજપમાં અગાઉ કિરીટસિંહ રાણાનું નામ ચર્ચામાં હતું. જોકે ભાજપે લીંબડી બેઠક સિવાયના તમામ નામોની જાહેરાત કરી છે. પરંતુ લીંબડી બેઠક માટે ભાજપ-કોંગ્રેસમાં પહેલે આપ, પહેલે આપ જેવી સ્થિતિ છે.

મેં ટિકિટ માંગી નથી - હીરા સોલંકી

લીંબડી બેઠક અંગે જે નામની ચર્ચા ચાલી રહી છે, ત્યારે હીરા સોલંકીએ આ અંગે નિવેદન આપ્યું કે, મેં કોઇ ટિકિટ માંગી નથી. પાર્ટી જેને ટિકિટ આપશે તેને જીતાડીશું. સમાજનું પ્રભુત્વ લીંબડી બેઠક પર છે. જેની લાગણી પણ હોય પણ પાર્ટી જેને ટીકીટ આપશે તેને જીતાડીંશું. અમારે સમાજ પાર્ટીએ આપેલા ઉમેદવારને જીતાડશે.

કોંગ્રેસ હજી રાહ જુઓની સ્થિતિમાં...

કોંગ્રેસ લીંબડી બેઠક પર કોળી નેતાની પસંદગી કરશે. જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર, કલ્પના મકવાણા કે જેરામ મેણીયાને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે તેવી શક્તયા છે. લીંબડી વિધાનસભા મત વિસ્તારમાં કોળી મતદારોનું પ્રભુત્વ હોવાથી કોંગ્રેસ આ નેતાઓ પર પસંદગી કરી શકાય છે.

ત્રણ બેઠકો માટે કોંગ્રેસમાં અસમંજસની સ્થિતિમાં લીંબડી, કપરાડા અને ડાંગના ઉમેદવાર જાહેર કરાયા નથી. કપડારા અને ડાંગના નામ આજે જાહેરાત થઇ શકે છે. લીંબડીના નામની જાહેર અંતિમ દિવસોમાં જ થાય એવી શક્યતા છે. લીંબડી બેઠકમાં કોંગ્રેસ હાલ રાહ જુઓની સ્થિતિએ છે. તો બીજી તરફ, કપરાડા અને ડાંગમાં છેલ્લી ઘડીનું મંથન ચાલી રહ્યું છે.

(4:52 pm IST)