Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

સવારે ઝાકળવર્ષા બપોરે ધોમધખતો તાપ

મિશ્ર વાતાવરણનો માહોલ યથાવતઃ બપોરે તાપમાનનો પારો ઉંચો

ખીરસરાઃ તસ્વીરમાં ખીરસરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઝાકળવર્ષા થઇ હતી તે નજરે પડે છે. (તસ્વીરઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)(૪.૪)

રાજકોટ, તા., ૧૩: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી સુર્યનારાયણના દર્શન થતા સુધી ઝાકળ વર્ષાનો અનુભવ થાય છે.

જયારે બપોરના સમયે ધોમધખતા તાપ સાથે ઉનાળા જેવા વાતાવરણનો અહેસાસ થાય છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ટ્રાન્ઝીશન પીરીયડ છે અને તેમાં ચોમાસુ પુરૂ થયા બાદ તાપમાનમાં થોડો વધારો થાય છે અને પવનની દિશા બદલાય છે. હાલ દિશા ઉતર પુર્વીય છે પણ લો પ્રેશર હોવાથી તેની અસર વર્તાતી નથી અને ગરમી અનુભવાય છે. લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાત અને દરીયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શકયતા છે. જો કે પોરબંદર, રાજકોટ અને અમદાવાદ સહીતના જે વિસ્તારો છે ત્યાં ચોમાસાની વિદાયની સતાવાર જાહેરાત કરી દેવાઇ છે.

રાજકોટમાં ગઇકાલે મહતમ ૩૮.૭, જયારે ન્યુનતમ તાપમાન ર૮.ર ડીગ્રી સેલ્શીયસ હતુ એટલે કે બંને વચ્ચે ૧૪ ડીગ્રીનો તફાવત હતો. આ તફાવતને કારણે ધુમ્મસની શકયતા વધી જાય છે અને સોમવારે સવારે ગાઢ ધુમ્મસ હતું. તે પછી આજે પણ ભારે ઝાકળ વરસી હતી. નિષ્ણાંતો જણાવે છે કે દિવસ દરમિયાન ઉંચા તાપમાનને લીધે પાણી બાષ્પીભવન થાય છે અને હજુ બાષ્પ વાતાવરણની નીચલી સપાટીએથી ઉપર જાય ત્યાં રાત પડતા તાપમાન સીધુ નીચુ આવે છે.

(11:32 am IST)