Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

જસદણમાં મેમન સમાજનાં ગરીબ પરિવારોને મફત ઘર આપવા મકાનોનું ખાતમુર્હૂતઃ કોરોના વોરીયર્સનું સન્માન

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧ર :.. જસદણમાં તાજેતરમાં વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝર દ્વારા મેમન સમાજના ગરીબ પરીવારોને મફત ઘર આપવા માટેનાં મકાનોની પાયા-વીધી તથા કોરોના વોરીર્યર્સનું સન્માનનો કાર્યક્રમ વર્લ્ડ ઓર્ગેનાઇઝરના હોદેદારોની  હાજરીમાં યોજાયો હતો.

વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝર મુંબઇ સેન્ટરના આર્થીક સહયોગથી 'આશીયાના' પ્રોજેકટ સમગ્ર દેશમાં ચલાવવામાં આવે છે જેમાં ઓર્ગેનાઇઝર દ્વારા આર્થીક ભંડોળ પુરૂ પાડવામાં આવે છે. જેના ભાગ રૂપે તાજેતરમાં જસદણ ખાતે ભવ્ય સમારોહ જસદણ ખાતે જસદણ મેમન જમાત અને જુદા - જુદા સંગઠનો દ્વારા યોજવામાં આવ્યો હતો.

અત્યંત ભવ્ય અને રંગારંગ કાર્યક્રમમાં સૌ પ્રથમ આવેલા મહેમાનોનું શબ્દોથી સ્વાગત જનાબ રફીકભાઇ રાવાણીએ કર્યુ હતું ત્યારબાદ જસદણ મેમન જમાતના પ્રમુખ અને ખુશી જીનીંગ જસદણના માલીક ઇમરાનભાઇ ખીમાણી દ્વારા ઉપસ્થિત મહેમાનોને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ જૈનબ સ્ટોર્સ વાળા યુસુફભાઇ પરીયાણી, યાકુબભાઇ ખીમાણી, રહીમભાઇ હકીમ, આરીફભાઇ ભૈયા, મુન્ના કોલ્ડ્રીંકસ વાળા આરીફભાઇ દ્વારા પણ વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝરનાં હોદેદારોનું સન્નમાન કરવામાં આવ્યુ હતું.

વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝરના મુંબઇથી પધારેલા ડો. નાશરીભાઇ ફુલારાએ પ્રારંભીક ઉદબોધનમાં કહયું હતું કે સમાજે આર્થીક રીતે ખુબ જ આગળ વધવાનું છે. માત્ર મકાન નહી પરંતુ શિક્ષણમાં પણ આગળ આવી સમાજ અને દેશને ઉપયોગી બનવાનું છે. શબ્બીરભાઇ પટકાએ સમાજના દરેક લોકો આગળ વધે અને પ્રગતિ કરે તેવી દુઆ ગુજારી હતી.

સોહીલભાઇ ખંડવાણીએ જણાવ્યુ હતું કે હું ગુજરાતમાં આજે બીજી વખત આવ્યો છું, ગુજરાતમાં મને કંઇક અલગ અનુભવ થાય છે, ગુજરાતનાં લોકો વેપારી છે અને ખુબ પ્રગતિ કરે છે. ઇરફાનભાઇ ખીમાણી ગઢડાવાળાએ જસદણ મેમન જમાતને કોલોનીના કામકાજ બદલ મુબારક બાદી આપી હતી.

અંતમાં વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝરનાં પ્રમુખ અહેસાનભાઇ ગાડાવાળાએ જણાવ્યું હતું કે આ ર૦ મકાનથી કંઇ જ નહી થાય હજૂ જસદણમાં અનેક મકાનો બનાવીશું જેથી જસદણ મેમન જમાતનો એક પણ ગરીબ વ્યકિત મકાન વગરનો ન રહે. ઉપરાંત તેમણે સ્કુલ બનાવવા પણ આહવાન કર્યુ હતું. અને તેમાં આર્થિક સહયોગ આપવા પણ જણાવ્યું હતું. અને એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે જોવા સમાજનાં આગેવાનોને અપીલ કરી હતી.

કોલોનીના ખર્ચ અંગેનું આયોજન, સુવિધા તેમજ જસદણ મેમન સમાજની કામગીરીનો ચિતાર સલીમભાઇ ખીમાણી (માસ્તર) દ્વારા આપવામાં આવ્યો હતો.

આ ભવ્ય કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં. જસદણ મેમન જમાતનાં સર્વે લોકોની હાજરીથી આ કાર્યક્રમ દીપી ઉઠયો હતો.

છેલ્લે જસદણ મુસ્લિમ સમાજ દ્વારા બીજી લહેરમાં કોરોના સારવાર સેન્ટર શરૂ કરવામાં આવ્યુ હતું જેમાં સેવા આપનારા ૧૯ કોરોના વોરયર્સનું સન્નમાન કરી તેમની કામગીરીને બીરદાવવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા જસદણ મેમણ જમાતના પ્રમુખ ઇમરાનભાઇ ખીમાણી, યુસુફભાઇ પરીયાણી, યાકુબભાઇ ખીમાણી, રફીકભાઇ રવાણી, રહીમભાઇ ખીમાણી, યુનુસભાઇ નાગાણી, આરીફભાઇ પરીયાણી, આરીફભાઇ ખીમાણી તેમજ વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝરની યુથ વીંગે તન-તોડ મહેનત કરી આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(11:43 am IST)