Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

ભાવનગરની વિશીષ્ઠ ઓળખ સમાન તખ્તેશ્વર મહાદેવ મંદિર

શહેરની હેરીટેજ પ્રોપર્ટીમાં છે સામેલઃ સંતના આદેશથી મહારાજા તખ્તસિંહે ૧૮૮૩માં બનાવ્યુ હતું મંદિર

ભાવનગર તા. ૧ર :.. લગભગ ૧ર૦ વર્ષ જુના ભાવનગર શહેરની મધ્યમાં એક નાની ટેકરી પર આવેલ શિવલીંગ અને તેની ચારે બાજુ સોનાના થાળવાળા તખ્તેશ્વર મહાદેવ મંદિરની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે. સફેદ આરસના પથ્થરથી સંપૂર્ણ પણે બનેલ આ મંદિર ઉંચી પ્લીન્થ પર બનાવાયું છે.

અહીં આવતા શ્રધ્ધાળુએ તખ્તશ્ેવર મહાદેવ મંદિરથી આખા ભાવનગર શહેરનું મનોરમ્ય દ્રશ્ય જોવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે. પોતાની ઘણી બધી ખાસીયતોના કારણે આ મંદિરને ભાવનગરની વિશિષ્ઠ ઓળખ ગણવામાં આવે છે.

માહિતી અનુસાર વર્ષ ૧૮૮૩ દરમ્યાન શહેર વચ્ચે આવેલ એક ટેકરી પર સફેદ સંગેમરમર પથ્થરથી બનાવેલ આ મંદિરની સ્થાપના મહારાજા તખ્તસિંહજીએ કરાવી હતી. મંદિરમાં મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પછી તેને સામાન્ય જનતા માટે દર્શન કરવા ખુલ્લુ મુકાયું હતું.

એવું કહેવાય છે કે એક વાર મહારાજા તખ્તસિંહ યાત્રા કરવા નિકળ્યા હતાં. યાત્રા કરીને પાછા આવતી વખતે બોટાદ ગામ પાસે તેમને એક સંત મળ્યા. રાજાએ ઠંડીથી ધ્રુજતા એ સંતને એક શાલ આપી. પણ સંતે ફુંક મારીને એ શાલને ભસ્મ કરી નાખી. આ સંતનું નામ મસ્તરામબાપુ કહેવાયું છે. રાજાએ આ ચમત્કારી સંતને કહયું કે મારા લાયક કંઇ કામ હોય તો આદેશ કરો. ત્યારે સંતે રાજાને કહયું કે એક મંદિર, એક હોસ્પીટલ, એક ધર્મશાળા અને એક શાળા તથા એક કોલેજ બનાવો જેથી આપની યાદ સદાય જળવાઇ રહે. આપના મૃત્યુ પછી, આપનું આ કાર્ય આપને કાયમ જીવીત રાખશે. ત્યાર પછી મહારાજાએ આ મંદિર બનાવ્યું હતું.

તખ્તેશ્વર મહાદેવને ભાવનગરની હેરીટેજ પ્રોપર્ટીમાં સામેલ કરાયું છે. મંદિર અંગે એક માન્યતા એ પણ છે કે એક રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તે નર્મદા કિનારે જઇને ત્યાંથી શિવલીંગ લાવીને સ્થાપિત કરે. ત્યાર પછી રાજાએ સંતના આદેશથી આ મંદિરની સ્થાપના કરી હતી. સંપૂર્ણપણે આરસથી બનેલ આ મંદિર કલાના વારસા સમાન છે.

(10:24 am IST)