Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

રાપરમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર-જિલ્લા પ્રમુખ અંધારામાં રહ્યા અને કોંગ્રેસે કાંગરા ખેરવી પ બેઠકો બીન હરીફ મેળવી

વિધાનસભા જેવો માહોલઃ કોંગ્રેસના ભચુ આરેઠીયાના આક્રમણને ખાળવા ભાજપ બેક ફુટ ઉપરઃ ભાજપની ખટપટથી વિધાનસભા પછી નગરપાલિકામાં સત્તા ઉપર જોખમ

ભુજ તા.૧ર : રાપર નગરપાલિકાની ચૂંટણીમાં આંતરીક ખટપટ અને રાજકારણના કારણે ભાજપની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી છે. નગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસે ભાજપના ગઢના કાંગરા ખેરવીને પ બેઠકો બીનહરીફ મેળવી લીધી હતી.

 

આ આંચકા બાદ પ્રદેશ ભાજપે બે નિરીક્ષકોને પ્રદેશ કક્ષાએથી રાપર મોકલ્યા હતા. તે દરમ્યાન યોજાયેલી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ રાપરમાં ચાલતી રાજકીય હલચલ અને રાપર ભાજપના ઉમેદવારો સંદર્ભે અંધારામાં હોવાનું જણાયુ હતુ.

આ ગતિવિધિ વચ્ચે રાપર નગરપાલિકાની ડેમેજ કંટ્રોલ કવાયત ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યને સોંપાઇ છે. જો કે ભાજપે વળતા ઘામાં ૭ બેઠકો બીનહરીફ મેળવી કોંગ્રેસને ફટકો માર્યો છે.

રાપર કોંગ્રેસમાં ભચુ આરેઠીયાના પ્રવેશ પછી ધમધમાટ વધ્યો છે. તેમના પત્નિ સંતોકબેન આરેઠીયાને વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બનાવવામાં સફળ રહેલા ભચુભાઇ આરેઠીયા રાપર નગરપાલિકામાં પણ ભાજપને યેનકેન પ્રકારે પછાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. રાપરમાં ભાજપ સામે જુથવાદનો મોટો પડકાર છે.(૩-૯)

(12:01 pm IST)