Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

પોરબંદરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો જૂનો પરંપરાગત રૂટ જાળવવા ભકતોની માંગણી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૦: શહેરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો રૂટ કેટલાક સમયથી ટુંકાવી નાખવામાં આવતો હોય ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વર્ષો જુના રૂટને આવરી લેવા ભકતો માંગણી કરી રહેલ છે.

શહેરમાં ભગવાન જગન્નાથજીનું અતિ પ્રાચીન મંદિર ભાટીયા બજારમાંનવલખા શેરીમાં આવેલ છે. બીજુ મંદિર સુદામા મંદિર પાસે ૧૩૦ વર્ષ જુના ભગવાન જગન્નાથજીનું મંદિર છે. આ મંદિરે સુદામા મંદિરનું નિર્માણ થયું. તે સમયે સીસમના લાકડામાંથી બનાવેલ કલાત્‍મક રથ અર્પણ કરવામાં આવ્‍યો હતો. આ રથ સમય જતા જર્જરીત બન્‍યો હતો. ત્‍યારે ભકતોના સહકારથી રથનું રીપેરીંગ કરવામાં આવ્‍યું હતું. દરમિયાન કેટલાક વર્ષો સુધી અષાઢી બીજે રથયાત્રા નીકળતી નહોતી જયારે આ રથયાત્રા પુનઃ શરૂ કરવામાં આવી ત્‍યારે રથયાત્રાના રૂટમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે અને આ રથ જુના પોરબંદરમાં પસાર થતો નથી.

ભકતજનોની માંગણી છે કે રથયાત્રા તેના પરંપરાગત રૂટ ઉપરથી પસાર કરવામાં આવે. કેટલાક સમય પહેલા જગન્નાથજી મંદિરના પુજારીની મનમાની લીધે રાજકીય અને ધંધાદારી વલણ વધ્‍યાની ચર્ચા તેમજ શહેરમાં અનેક ધાર્મીક સંગઠનો અને ધૂન-ભજન મંડળીઓ છતા વર્ષો પહેલાની જેમ રથયાત્રામાં પહેલા જેવો ઉત્‍સાહ જોવા મળતો નથી તેવી ભકતજનોમાં ચર્ચા છે.

(1:23 pm IST)