Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

દરીયામાં ભારતીય જળ સીમા પૂર્ણ કયારે થાય છે ? તે ખબર રહેતી નથીઃ વેરાવળમાં પાકિસ્તાન જેલમુકત માછીમારોનું સ્વાગત

વેરાવળમાં પાકિસ્તાન જેલમુકત માછીમારોનું સ્વાગતઃ પરિવારજનોમાંં હરખના આંસુ : વેરાવળઃ પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા અપહરણ કરીને પાકિસ્તાની જેલમાં  કેદ કરાયેલા ભારતીય માછીમારોનો છુટકારો થતા આજે તેઓનું વેરાવળમાં આગમન થતા પરિવારજનોમાંં હરખના આંસુ સાથે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ અહેવાલઃ દિપક કકકડ વેરાવળ)

વેરાવળ, તા. ૧૧ :. પાકિસ્તાન જેલમાંથી ૧૪૭ માછીમારોને છોડવામાંં આવેલ હતા. તે માછીમારોને લાવવા માટે અમૃતસરથી ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં અલગ અલગ દિવસે ડબ્બા મળતા બે તબક્કામાં માછીમારો આવી રહેલ છે. તેમા ૭૪ માછીમારો ફીશરીઝ કચેરીએ આવી પહોંચતા પરિવારજનોએ હારતોરા અશ્રુભીની આંખે સ્વાગત કરેલ હતું.

દેલવાડાના સુરેશ ભીમા ભીલ એ જણાવેલ હતુ કે, દરીયાના ભારતીય જળ સીમા પૂર્ણ કયારે થાય ? તે ખબર રહેતી નથી. જેલમા સવારે નાસ્તો, બપોરે, સાંજે જમવાનું સમયસર મળતુ રહે છે. થોડુ ધણું કામ કરવુ પડે છે. વધારાની કોઈ હેરાનગતિ થતી નથી પણ પરિવારજનોની યાદ સતાવતી હોય છે. અમારા તાલુકામાં રોેજીરોટીનું બીજુ કોઈ આવક સાધન ન હોવાથી જીવ જોખમે માછીમારી કરવા જવુ પડે છે. બોટ માલિકો પરિવારને કોઈ મદદ કરતા નથી. સરકાર તરફથી દર માસે રૂ. ૪૫૦૦ મળે છે તેમ જણાવેલ હતું.

આસિ. સુપ્રી. ઓફ ફીશરીઝના અધિકારી વિમલ પંડયા એ જણાવેલ હતુ કે અમૃતસરથી એક સાથે ટ્રેનમાં રીઝર્વેશનના બે ડબ્બાઓ નહી મળતા બે તબક્કામાં માછીમારો લાવવામાં આવી રહેલ છે. જેમા આજે ૭૪, તા. ૧૨ના શુક્રવારે ૭૩ માછીમારો આવશે. તમામ માછીમારોને ૧૦ માસની સજા થયેલ હતી. સામાજીક સંસ્થા એધી ફાઉન્ડેશન દ્વારા રૂ. ૫૦૦૦ હજાર રોકડા તથા કપડાની સહાય આપવામાં આવેલ છે. કીડીવાવ તપાસણી કરી તમામ ખલાસીઓને તેમના પરિવારજનોનો તુરંત જ સોંપી દેવામાં આવેલ છે.

બે બસ મારફત આવી પહોંચેલા માછીમારોના પરિવારજનો સવારથી આતુરતા પૂર્વક રાહ જોઈ રહેલ હતા. બસમાં ઉતરતા જ તેમને આવકારવા ફુલહાર સાથે દોડી ગયેલ હતા અને પરિવારજનોએ ગળા લગાડતા અશ્રુભીના દ્રશ્યો સર્જાયેલ હતા.

(5:04 pm IST)