Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ઘર કબ આઓગે... પાકિસ્તાની જેલમાં સબડતા પતિ ઇસ્માઇલની રાહ જોતા પત્ની અને સંતાનો

કચ્છના નાના દિનારા (ખાવડા)ના ઇસ્માઇલ સમા ભુલથી સરહદ પાર કરી ગયા બાદ પાકિસ્તાનની જેલમાં બંધ, ૨૦૧૬માં સજા પુરી થઇ પણ રાષ્ટ્રીયતા નક્કી ન થઇ શકી બીજી બાજુ પરિવારજનો ૨૦૦૮ થી ઇસ્માઇલ પરત ન ફરતા ગુમ થયેલો માનતા હતા-હવે છુટકારાના પ્રયાસો

ભુજ તા.૧૧: પરિવારનો મોભી કે જેને બધા દસ વર્ષથી ગુમ થયેલો માનતા હોય તેની અચાનક ભાળ મળે પણ એ સાથે જ એમ જાણવા મળે કે તે દુશ્મન દેશની જેલમાં સબડી રહ્યો છે.

ત્યારે પરિવારજનોની પરિસ્થિતિ કેવી થાય? પરિવારના મોભીની હયાતીનો આનંદ પણ સાથે દુશ્મન દેશની જેલમાંથી છુટકારો કેમ મળે તેની ચિંતા..!!!

બસ કમાબાઇ ઇસ્માઇલ સમાની પરિસ્થિતિ કંઇક આવી જ છે દસ વર્ષથી જેને ગુમ થયેલો માનતા હતા તે પતિની ભાળ તો મળી પણ સાથે એમ જાણવા મળ્યુ કે પતિ પાકિસ્તાનની હૈદ્દાબાદ જેલમાં બંધ છે અને સજા પુરી થઇ ગઇ છે પણ છુટી શકતો નથી હજી'યે જેલમાં સબડી રહ્યો છે.

વાત કચ્છના સરહદી પંથક ખાવડાના નાના દિનારા ગામની છે. સામાજિક કાર્યકર ફઝલ સમાના કહેવા પ્રમાણે હમણાં ચારેક મહિના પૂર્વે જ પાકિસ્તાનની જેલમાંથી છુટેલા ભુજના ઝુરા ગામના બીજાએ માહિતી આપી કે ઇસ્માઇલ સમા નામનો કચ્છનો નાગરિક પાકિસ્તાનની હૈદ્દાબાદ જેલમાં છે અને તેની રાષ્ટ્રીયતા (તે ભારતીય છે એવા પુરાવા) નક્કી ન થતાં તે છુટી શકે તેમ નથી. આ જાણકારી બાદ ફઝલ સમાએ સૌચ્છીક સંસ્થાઓ અને રાજકીય આગેવાનોની મદદ લીધી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને પત્ર લખીને મદદ માંગી છે.

તેઓ પાકિસ્તાન સરકારનુ ધ્યાન દોરે. પાકિસ્તાનમાં છુટકારાની રાહ જોતા ઇસ્માઇલના ભાઇ મુમતાઝ અલી સમાના જણાવ્યા પ્રમાણે તેમના મોટા ભાઇ ગાયો ચરાવતા ચરાવતા પાકિસ્તાનની હદમાં ઘૂસી ગયા હશે અને તે પકડાઇ ગયો હશે. પણ, પરિવારજનો તે ઘેરગ પરત ફરતા ગુમ થયેલો માનતા હતા એ ઇસ્માઇલ માટે જાણે તેના પરિવારદજનો ઝંખી રહ્યા છે કે ઘર કબ આઓગે?... ભારત સરકાર ઝડપ ભેર પ્રયત્નો હાથ ધરશે તેવી સૌને આશા છે.

(11:24 am IST)