Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

જામજોધપુરના ગીંગણી વેદમાતા ગાયત્રીની મુર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ઢાંક તા.૧૧ : જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના પાદરમાં આવેલ ગાયત્રી પ્રજ્ઞા પીઠ સમસ્ત ગામ આયોજીત ગાયત્રી પ્રજ્ઞા પીઠ ગીંગણીનું નવનિર્માણ કરવામાં આવ્યુ છે. જેમાં ગાયત્રી માતાજીની મુર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તથા ગણપતિ દાદા, હનુમાનજી મહારાજની મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તત્વા વધાન શાંતિકુંજ હરીદ્વારના નેજા હેઠળ ગુજરાતની અમદાવાદની ટોલી દ્વારા દિવ્ય શાસ્ત્રોકત વિધિ-વિધાનથી પ૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કારો સાથે કરાશે.

કાર્યક્રમ તા.૧૮ને ગુરૂવારે ગૌપુજન અને ગાયો તથા કુતરાઓને લાડુ જમાડવા સાથે બટુક ભોજન તેમજ જામનગરના ચંદ્રાબા રાઠોડના હસ્તે પુસ્તક મેળાનું ઉદ્દઘાટન સવારે ૯-૩૦ કલાકે કરવામાં આવશે. શ્રી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા વિધિના યજમાનપદે શ્રી રતિલાલ હિરજીભાઇ પોપટ તથા સહપરિવારજનો રહેશે.

મુખ્ય માનવતા મહેમાનો શ્રી ઘનશ્યામભાઇ પટેલ-મથુરા, રાજુભાઇ દવે-અમદાવાદ, શ્રી કનુભાઇ પટેલ-અમદાવાદ, શ્રી અશ્વિનભાઇ જાની-અમદાવાદ ઉપસ્થિત રહેશે. તા.૧૯ના પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ તેમજ બપોરના ર-૩૦ વાગ્યે મુર્તિઓની નગરયાત્રા-યજમાનોની હેમાદ્રી શ્રવણ (દેહશુદ્ધિ), નુતન મુર્તિઓનો ધાન્યાધિવાસ-સાંજે પ-૩૦ કલાકે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરાશે. સમગ્ર કાર્યક્રમના આચાર્ય પદે જામજોધપુરના વિદ્વાન કર્મકાંડી શાસ્ત્રીશ્રી બાલકૃષ્ણ પી. જોષી રહેશે. તા.ર૦ને શનિવારે સવારે ૮ થી સાંજના ૪ વાગ્યા સુધી વેદમાતા ગાયત્રી પ્રજ્ઞા પીઠના પવિત્ર ભુમિ ખાતે પ૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન ગીંગણી સમસ્ત ગામ દ્વારા કરવામાં આવેલ છે તેમજ સમસ્ત ગીંગણી ગામ (ધુમાડા બંધ)ને મહાપ્રસાદ સાંજે શનિવારે પ વાગ્યે રાખેલ છે તેમજ તા.૧૮-૧૯-ર૦ના રોજ ત્રણ દિવસ સર્વરોગ નિદાન કેમ્પ રાખેલ છે અને રાત્રે ૮ થી ૧૦-૩૦ વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

ગીંગણી ખાતે ત્રિદિવસીય આ ધાર્મિક કાર્યક્રમો તેમજ પ૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં પ્રસાદ અને દર્શન કરી પુણ્યનું ભાથુ બાંધવા યજ્ઞાપીઠના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સર્વ ધર્મપ્રેમી લોકોને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ એક યાદીમાં પાઠવવામાં આવેલ છે.

(11:18 am IST)