Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ પ્રાંસલામાં: રાષ્ટ્રકથા શિબીરમાં ઉપસ્થિતી

આપણી પાસેનુ જ્ઞાન અનુભવ અને બુધ્ધિ સમૃધ્ધ હોવુ જોઇએઃ પૂ. ધર્મબંધુજીઃ શિબીરનો છઠ્ઠો દિવસ

પ્રાંસલા ખાતે આયોજીત રાષ્ટ્રકથા શિબીરની તસ્વીરી ઝલક.

રાજકોટ તા. ૧૧ :.. ઉપલેટા તાલુકાના પ્રાંસલા ખાતે પૂ. ધર્મબંધુજી સ્વામીની અધ્યક્ષતામાં શનીવારથી શરૂ થયેલ રાષ્ટ્રકથા શિબીરનો આજે છઠ્ઠો દિવસ છે આજે શિબીરાર્થીઓને માર્ગદર્શન આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ આવી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ આજે બપોરે સવારે ૧૧-૧૦ કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે ભારતીય હવાઇ દળના એરક્રાફટ દ્વારા આવી પહોંચશે. અને હેલીકોપ્ટર દ્વારા જિલ્લાના ઉપલેટા તાલુકાના પ્રાંસલા ખાતે ૧૧.૪પ કલાકે પહોંચશે. ગૃહમંત્રી શ્રી બપોરના ૧૧-૪પ થી ૧ર-૪પ સુધી રાષ્ટ્રકથા શિબીરમાં હાજરી આપશે. બપોરે ૧.૪પ કલાકે હેલીકોપ્ટર દ્વારા રાજકોટ એરપોર્ટ આવશે. રાજકોટથી બપોરે ૧૩.પ૦ કલાકે એરક્રાફટ દ્વારા નવી દિલ્હી જવા રવાના થશે.

પ્રાંસલામાં રાષ્ટ્ર કથા શીબરીના પાંચમા દિવસના પ્રવચન સત્રને સંબોધવા નાગાલેન્ડથી યુપીએસસીના સભ્ય ડો. કિલેમ સુંગલા, દિલ્હીથી ભારત સરકારના શિક્ષણ સચિવ અનિલ સ્વરૂપ, બેંગ્લોરથી અર્થશાસ્ત્રી શ્રૃતિ મુનિયપ્યા અને કર્નલ અભિષેક શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતાં.

ડો. કિલેમ સુંગલાએ જણાવ્યું હતું કે, માનવીની નૈતિકતાનો પ્રભાવ પ્રત્યેક ક્ષેત્રોમાં પડે છે. જેમનામાં નબળી નીતિમતા હોય તેનાથી સમાજ અને રાષ્ટ્રને હાનિ થાય છે, જયારે ઉમદા નીતિમતા ધરાવનારા સહુ માટે ખૂબ આર્શિવાદરૂપ બને છે. આથી જીવનના આરંભથી જ નૈતિકતાનો સદ્ગુણ કેળવવો જોઇએ, જે માનવીને  આદર્શ માનવીની લગાણીએ લઇ જાય છે. જેનામાં નીતિમતા હોય તેમનામાં આપોઆપ સત્યતા, ઇમાનદારી, નિર્ભયતાના ગુણો વિકસે છે. જે સમાજ અને રાષ્ટ્ર માટે ખૂબ હિતકારી નીવડે છે.

ભારત સરકારના શિક્ષણ સચિવ અનિલ સ્વરૂપએ જણાવ્યું હતું કે, જે કંઇપણ કાર્ય કરો, જયાં પણ જાવ હંમેશા હકારાત્મક ઉર્જા સભર રહો. આપની હકારાત્મક ઉર્જાનો પ્રભાવ આપનો કાર્યો અને આપની સાથે કાર્ય કરતા સહુને માટે પ્રેરક બની રહેશે. હંમેશા બીજા માટે આદર્શ કહેવડાવ, તેવું જીવન જીવવાની શીખ આપી હતી.

કર્નલ અભિષેક શ્રીવાસ્તવ દ્વારા પીપીટીથી વિશાળ પ્રોજેકટર પર લશ્કરમાં કાર્યકીર્દી ઘડતર અંગેની ખૂબ જ જીણવટભરી માહિતી આપવામાં આવી હતી તેમજ શિબીરાર્થીઓના મનમાં ઉદભવતી જિજ્ઞાસા સંતોષાઇ હતી.

તેમણે શિબીરાર્થીઓને શાળાકીય શિક્ષણના અંતે ૧૭-૧૮ વર્ષની આયુમાં જ કાર્યકર્દીનું આયોજન સુનિશ્ચિત કરી લેવા જણાવ્યું હતું.

જેમણે પૈસા કમાવા હોય, તેમણે લશ્કરમાં કદાપી ના આવવું. પરંતુ જેમનામાં ઠાંસો ઠાંસ રાષ્ટ્રપ્રેમ હોય અને જીવનમાં સન્માનપૂર્વક જીવવું હોય તેમના માટે લશ્કરથી ઉમદા કોઇ ક્ષેત્ર નથી તેમ જણાવેલ.

વધુમાં વર્ષ ર૦૧૮ થી મહિલાઓની પણ લશ્કરમાં અધિકારી તરીકેની નિમણુંક શરૂ થયા અંગે માહિતી આપવામાં આવી હતી.

બેંગ્લોરના અર્થશાસ્ત્રી શ્રુતિ મુનિપપ્યાએ શિબીરાર્થીઓને પીપીટીથી અર્થશાસ્ત્રના સિધ્ધાંતો વિશે સરળ ભાષામાં સમજણ આપીને રોકાણ, ઉદ્યોગ સાહસિકતા અને બચત વિશે દીર્ધ જાણકારી આપવામાં આવી હતી.

સ્વામી ધર્મબંધુજીએ જીવનમાં જ્ઞાનના મહત્વ વિશે સમજાવતા જણાવ્યું હતું કે, જ્ઞાન એવું હોવુ જોઇએ જે અનુભવ અને બુધ્ધિ સમૃધ્ધ હોવું જોઇએ.

કોટૂં પુસ્તકીયું જ્ઞાનની કોઇ કિંમત નથી તેમ વાત કરીને ધીરૂભાઇ અંબાણી પુરૂષાર્થથી પ્રાપ્ત કરેલી સિધ્ધી સહિતના ઉદાહરણો આપીને જ્ઞાન પામવા માટે સદા તત્પર રહેવા જણાવેલ.

વધુમાં જ્ઞાનથી જ સાચા ખોટા રસ્તાની પરખ થાય છે. જ્ઞાન વગરની માનવીને જીવનનો રસ્તો મળતો નથી અને પશુ વટ જીવન જીવે છે.

રાષ્ટ્રકથા શિબીરમાં વિવિધ રાજયોના શિબીરાર્થીઓ આવ્યા હોય રોજ રાત્રીના ૯ થી ૧૦.૩૦ વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિવિધ પ્રદેશના સ્થાનીક ગીત-નૃત્યની ઝલક જોવા મળે છે.

આ ઉપરાંત લશ્કરની વિવિધ પાંખ દ્વારા વિવિધ પ્રકારના શસ્ત્ર-ઓજારનું પ્રદર્શન થતું હોય, શિબીરાર્થીઓને સરહદ પર યુધ્ધ ભૂમિ વેળાની ભૂમિકા જોવા મળે છે.

આજે છઠ્ઠા દિવસે રાજનાથ સિંઘ (કેન્દ્રીય ગૃહમંત્રી), કે. વિજયકુમાર (વરિષ્ઠ સુરક્ષા સલાહકાર), પ્રકાશ મિશ્રા (ડી. જી., સીવીલ અને ડીફેન્સ), ઉપસ્થિત રહ્યા હતાં.

(11:14 am IST)