Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ગારીયાધાર નગરપાલિકાની મતદાર યાદીમાં છબરડાઃ એક જ પરિવારના અનેક વોર્ડમાં નામો

વોર્ડ સીમાંકનમાં વોર્ડની વસતી કરતા મતદારોની સંખ્યા અનેકગણી વધારે

ગારીયાધાર, તા. ૧૧ :. સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાના પડઘમ વાગી રહ્યા છે તેવામાં ચૂંટણી આયોગની સૂચનાથી અને નિયમોના પાલન કરી તમામ નગરપાલિકાઓ દ્વારા નવા સિમાંકનો અને મતદાર યાદીઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં ગારીયાધાર નગરપાલિકા દ્વારા તૈયાર થયેલુ નવુ વોર્ડ સિમાંકન અને મતદાર યાદીઓમાં ભારે છબરડાઓ અને વિસંગતતાઓ ભરેલુ રહેતા અરજદાર દ્વારા જીલ્લા કલેકટર અને ચૂંટણી આયોગ સુધી ફરીયાદો ઉઠવા પામી છે.

ગારીયાધાર ન.પા.ની આગામી દિવસોમાં ચૂંટણીની જાહેરાત થાય તેવી તૈયારીઓ દેખાઈ છે. તેવામાં ગારીયાધાર ન.પા. દ્વારા જાહેર કરાયેલ મતદાર યાદીમાં મસમોટા છબરડા બહાર આવતા બાબુભાઈ સરવૈયા દ્વારા જીલ્લા કલેકટર સહિત ચૂંટણી આયોગમાં ફરીયાદ કરવામાં આવી છે.

આ મતદાર યાદીમાં એક જ પરિવારના સદસ્યોને બે વોર્ડની અંદર વહેંચી દેવાયા છે. તેમજ વોર્ડ સિમાંકનની વસ્તીના આંકડાઓ અને મતદાર યાદીના મતદારોના આંકડાઓના ભારે વિસંગતતાઓ છે તેમજ ચૂંટણી આયોગના નિયમ અનુસાર અને સ્પષ્ટતા પ્રમાણે ૧૦ ટકાની વધઘટ રાખીને મતદારોની સંખ્યા જાળવી નવા વોર્ડની રચના કરવાના બદલે વોર્ડ ૩ મા ૪૭૨૬ અને વોર્ડ નં. ૭ મા ૨૬૦૮ મતદારો રાખી સિમાંકન થતા ચૂંટણી આયોગના નિયમની અવહેલના કરવામાં આવી છે તે અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઈ છે.(૨-૩)

(10:20 am IST)