Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

કોડીનારમાં કરોડોના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડમાં શૌચાલયની હાલત ખંઢેર જેવી

કોડીનારના આધુનિક બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડની ચમકમાં કાળી ટીળી સમાન શૌચાલય અને શૌચાલયની અંદરની બદતર પરિસ્થિતિ તસ્વીરમાં નજરે પડે છે. 

કોડીનાર, તા. ૧૧: કોડીનાર એસ.ટી. બસ સ્ટેન્ડ થોડાક સમય પહેલા અદ્યતન બનવા છતાં બસ સ્ટેન્ડના શૌચાલય અદ્યતન સુવિધાઓ સામે ગ્રહણ સમાન બનવા પામ્યા છે.

કોડીનાર બસ સ્ટેન્ડ કરોડો રૂ.ના ખર્ચે અદ્યતન બનાવી અતિ આધુનિક સુવિધાઓ સાથે મુસાફરો માટે ખુલ્લુ મૂકાયા બાદ તંત્ર દ્વારા શૌચાલય જુના જ જાળવી રાખતા કરોડોના ખર્ચે બનેલ બસ સ્ટેન્ડની આધુનિક સુવિધામાં 'શૌચાલય' કાળા દાગ સમાન લાગી રહ્યા છે.

એસ.ટી. તંત્ર દ્વારા આધુનિક બસ સ્ટેન્ડ બનાવ્યા બાદ શૌચાલય નવા બનાવવાનું માંડી વાળી તે જ જુના શૌચાલય જૈસે થે જાળવી રાખ્યા છે.

જે શૌચાલય બસ સ્ટેન્ડના પાછળના ભાગે આવેલ હોય, બસના હોલ્ટ દરમિયાન શૌચક્રિયા માટે જતા મુસાફરોની શૌચાલય ગોતવામાં જ બસ ઉપડી જાય છે અને મુસાફર હેરાન થતાં હોવાના બનાવો બની રહ્યા છે. શૌચાલય બસ સ્ટેન્ડના પાછળના ભાગે હોવાથી લોકોને નજરે પડતા જનથી આ ઉપરાંત આ શૌચાલયોની હાલત અતિ દયનિય છે. એકપણ શૌચાલયના દરવાજામાં સ્ટોપર ન હોય જેને ગીત ગાતા આવડે તે જ શૌચાલયનો ઉપયોગ કરી શકે તેવી સ્થિતિ સર્જાઇ છે.!!!

આ ઉપરાંત શૌચાલયમાં પાણી વિતરણની સુવિધા પણ ઠપ્પ હોય, શૌચાલય કોન્ટ્રાકટ દ્વારા બહારથી પાણીના ટેન્કર મંગાવી સુવિધા સાચવવી પડે છે. તેમજ મુતરડીની પણ હાલત દયનિય હોય, લોકો મૃતરડીનો ઉપયોગ કરવાનું બંધ કરી, ગમે ત્યાં શૌચાક્રિયા કરી 'સ્વચ્છ ભારત મિશન'ના ધજાગરા ઉડાવી રહ્યા છે. ત્યારે આધુનિક બસ સ્ટેન્ડમાં બસ સ્ટેન્ડના ભાગે આધુનિક શૌચાલય બનાવવા તેમજ હાલના શૌચાલયને ત્યાં સુધી સરખી રીતે મરામત કરી મુસાફરોને ઉપયોગી થાય તેવી કાર્યવાહી કરવા મુસાફર જનતામાં ઉગ્ર માંગણી ઉઠવા પામી છે.

કોડીનાર એસ.ટી. ડેપો અમરેલી ડીવીઝનમાં છે અને અમરેલી ડીવીઝન દ્વારા અવારનવાર કોડીનાર ડેપો સાથે અન્યાય થતો હોવાની ફરીયાદ ઉઠી છે ત્યારે આધુનિક બસ સ્ટેન્ડની જાણવણીમાં પણ એસ.ટી. તંત્રની  ઉદાસીનતા નજરે પડે છે. (૮.પ)

કોડીનાર ડેપોમાં મુસાફરોને પાણીમાંથી પસાર થઇને જ બસમાં ચડવુ પડે છે !!

કોડીનારમાં કરોડો રૂ.ના ખર્ચે આધુનિક બસ સ્ટેન્ડ બનાવ્યા છતાં કામમાં ઠેર ઠેર છીંડા જોવા મળી રહ્યા છે. કોડીનાર બસ સ્ટેન્ડના અંડરગ્રાઉન્ડ કામમાં કયાંક એવી તકલીફ રહી ગઇ છે કે જેના કારણે અંડરગ્રાઉન્ડ પાણી સતત લીકેજ થતું હોય, બસ સ્ટેન્ડના આગળના ભાગમાં કાયમી પાણીનો ભરાવો રહેતા મુસાફરોને આ પાણીમાંથી પરાણે પસાર થઇને જ બસમાં ચડવું પડે છે ત્યારે શૌચાલય સાથે આ અંગે પણ તંત્ર ધ્યાન આપે તેવી મુસાફરોની માંગણી છે.

(10:19 am IST)