Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ધારીમાં ATMમાં ફસાયું હરણ :શ્વાનોથી બચવા હરણ ATMમાં ઘુસી ગયુ :વનવિભાગે સલામત બહાર કાઢી જંગલમાં છોડ્યું

નાઈટ ડ્યુટી પતાવીને ઘરે જઇ રહેલા હોમગાર્ડની નજર પડતાં તેણે વનવિભાગને જાણ કરી

 

અમરેલીના ધારી શહેરમાં હરણ ATMમાં ફસાયું હોવાનું સામે આવ્યું છે. શ્વાનોના હુમલાથી બચવા એક હરણ ATMમાં ધૂસ્યું હતું. જે બાદ મહામથામણે તેનું રેસ્કયુ કરી જંગલમાં મુક્ત કરવામાં આવ્યું હતું. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,સિંહ અને દીપડાની લટાર બાદ ધારી શહેરમાં હરણના દ્રશ્યો સામે આવ્યા છે. અમરેલીના ધારીમાં અચાનક હરણ આવી ગયું હતું. શહેરમાં ધારી પેટ્રોલ પંપ નજીક શ્વાનોથી બચવા હરણ ATMમાં ઘૂસ્યું હતું. વહેલી સવારે ATMમાંથી બહાર નીકળવાના હરણ ધમપછાડા કરી રહ્યું હતું. આ દરમિયાન નાઈટ ડ્યુટી પતાવીને ઘરે જઇ રહેલા હોમગાર્ડની નજર પડતાં તેણે વનવિભાગને જાણ કરી હતી. જે બાદ વનવિભાગ દ્વારા હરણનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ હરણને એટીએમમાંથી બહાર કાઢી જંગલમાં મુક્ત કરાયું હતું.

ATMમાં બહાર નીકળવાની મથામણ કરતા હરણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સામાન્ય રીતે અમરેલીની આસપાસના વિસ્તારોમાં સિંહ અને દીપડાની લટાર જોવા મળતી હોય છે. ઘણી વખત તો રહેણાક વિસ્તારોમાં જ બિન્દાસ સિંહ આંટાફેરા મારતા જોવા મળતાં હોય છે. જ્યારે કેટલીક વખત સિંહના શિકારની ઘટનાઓ પણ બનતી હોય છે. આવામાં શહેરમાં હરણની લટાર સામે આવી છે. એટલું જ નહીં, તે શ્વાનોથી બચવા માટે એટીએમમાં ઘુસી ગયો હતો અને ત્યાંથી બહાર નીકળવા માટે મથામણ કરી રહ્યો હતો.

વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, ATMમાં એક હરણ ઉભેલું દેખાય છે. જે આજુબાજુ ડાફોડીયા મારી રહ્યું છે. સાથે સાથે ATMમાંથી બહાર નીકળવા માટે હરણ આખા ATMમાં દોડાદોડી કરતું જોવા મળી રહ્યું છે. તે દરવાજાની પાસે ઉંચા ઉંચા કૂદકા લગાવીને દરવાજો ખોલવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેમ છતાં દરવાજો ખૂલતો ન હોવાથી તે કૂદકા મારતું જોવા મળી રહ્યું છે.

(12:00 am IST)